ઝાલોદના નાનસલાઈ ગામે પ્રેમપ્રકરણને લઈ યુવકનું ઘર સળગાવાયું

-ઘરમાં રહેલું ઘરવખરી બળીને ખાખ : અંદાજીત એક લાખથી વધુનું નુકસાન.

ઝાલોદ તાલુકાના નાનસલાઈ મુકામે પ્રેમપ્રકરણને લઈ બે પરિવારો વચ્ચે તંગદિલી સર્જાતા ગંભીર બનાવ બહાર આવ્યો છે. ગામમાં રહેતા તુષાલ પરમાર અને સામે રહેતી યુવતી વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. બંને પુખ્ત વયના પ્રેમી યુગલો 30 નવેમ્બર 2025ના રોજ ઘર છોડીને અજાણ્યા સ્થળે નાસી ગયાની માહિતી સામે આવી છે.

યુવતીના પરિવારજનોને યુવતી અંગે યોગ્ય માહિતી ન મળતા ગુસ્સો ફાટી નીકળ્યો હતો. આક્ષેપ મુજબ યુવતીના પરિવારના અંદાજીત ચાર વ્યક્તિઓ તુષાલ પરમારના ઘરમાં ઘૂસી ગાળો આપી ઘરને આગ લગાવી દીધી હતી. આગની ઘટના બાદ તાત્કાલિક ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો, તેમ છતાં ઘરમાં રહેલી ઘરવખરી સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી. નુકસાનનો અંદાજ એક લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાના અનુસંધાને યુવકના પરિવારજનો દ્વારા યુવતીના અંદાજીત ચાર વ્યક્તિઓ વિરૂદ્ધ ઘરમાં ઘૂસી આગ લગાવી નુકસાન પહોંચાડ્યાની નોંધ ઝાલોદ પોલીસ સ્ટેશનમાં કાયદેસર ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ ઘટનાની ગંભીરતાને પગલે વધુ તપાસ હાથ ધરી છે.