ઝાલોદના ફુલપુરા ગામના રોડની બાજુમાં નાળામાંથી જીવિત નવજાત શિશુ મળતા ચકચાર

ઝાલોદ તાલુકાના ફુલપુરા ગામના ભુરીધાટી ફળિયા નજીક રોડ પાસે આવેલા નાળામાંથી આશરે દોઢ માસનુ જીવિત નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી જવા ૫ામી હતી. કોઈ નિર્દયી વ્યક્તિ પોતાના પાપ છુપાવાવ માટે આ માસુમ બાળકને મોતના મુખમાં ત્યજીને નાસી છુટ્યુ હતુ.

પ્રાપ્ત માહિતી અનુસાર ફુલપુરા ગામના જાગૃત નાગરિક રાકેશભાઈ હકરાભાઈ ડામોરે રોડ સાઈડના નાળામાં બાળક જોયુ હતુ. જેથી તેમણે તાત્કાલિક ગામના સરપંચ હવસિંગભાઈ કાળિયાભાઈ ભુરિયાને ફોન પર આ અંગે જાણ કરી હતી. માહિતી મળતા જ સરપંચ ધટના સ્થળે દોડી આવ્યા હતા. તપાસ કરતા નાળાના અંદરના ભાગે સાડીના ટુકડામાં વિંટાળેલી અને કાળા કપડા પહેરાવેલી હાલતમાં એક નવજાત શિશુ જીવતુ મળી આવ્યુ હતુ. સ્થાનિક લોકોએ માનવતા દાખવી એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જેથી એમ્બ્યુલન્સ ધટના સ્થળે પહોંચી બાળકને સુરક્ષિત રીતે ઝાલોદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યુ હતુ. આ અમાનવીય કૃત્ય અંગે ફુલપુરાના સરપંચ હવસીંગભાઈ ભુરિયાએ ચાકલીયા પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી ત્યજી દેનાર શખ્સને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.