ઝાલોદમાં હિંદુ સ્વાભિમાનનો ગર્જતો સંકલ્પ છત્રપતિ શિવાજી મહારાજ જન્મજયંતિ નિમિત્તે ભવ્ય પુષ્પાંજલિ કાર્યક્રમ આર.એસ.એસના દ્વિતીય સરસંચાલક માધવ સદાશિવ ગોળવલકરજીના ( ગુરૂજી) જન્મદિવસે પણ શ્રદ્ધાંજલિ

ઝાલોદ નગરના મીઠાચોક ખાતે હિંદુ ધર્મધ્વજના ગૌરવ અને હિંદવી સ્વરાજ્યના પ્રણેતા છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય પુષ્પાંજલિ કાર્યક્રમ ઉમંગ, ગૌરવ અને ભક્તિભાવ સાથે યોજાઈ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમ દરમિયાન જય ભવાણી જય શિવાજી ના ગર્જતા નાદ વચ્ચે ઉપસ્થિત હિંદુ સમાજે મહારાજના ચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી તેમની વિરતા અને રાષ્ટ્રભક્તિને નમન કર્યું હતું. સમગ્ર માહોલ હિંદુ એકતા, સ્વાભિમાન અને સંસ્કૃતિપ્રેમથી ગુંજી ઉઠ્યો હતો.

વક્તાઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, શિવાજી મહારાજે મુગલોના કઠિન સમયમાં હિંદુ ધર્મ, માતૃભૂમિ અને સ્વરાજ્યની રક્ષા માટે અદમ્ય શૌર્ય અને અડગ સંકલ્પ દર્શાવ્યો હતો. આજે પણ હિંદુ સમાજ માટે તેમનું જીવન માર્ગદર્શક દીપસ્તંભ સમાન છે. તેમના જીવનમાંથી પ્રેરણા લઈ હિંદુ હિત, રાષ્ટ્રપ્રેમ અને સંસ્કૃતિના સંરક્ષણ માટે કાર્ય કરવું દરેક સનાતનીનો ધર્મ છે.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ લોકોએ હિંદુ સમાજની એકતા મજબૂત બનાવવા, સનાતન પરંપરાનું રક્ષણ કરવા અને રાષ્ટ્રહિતમાં સદૈવ સમર્પિત રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી.

આ સાથે જ આર.એસ.એસના માધવ સદાશિવ ગોળવલકર (દ્વિતીય સરસંચાલક) ના જન્મદિવસ નિમિત્તે પણ હિન્દુ સમાજ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી તેમના રાષ્ટ્રનિર્માણમાં આપેલા યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. વક્તાઓએ જણાવ્યું હતું કે તેમના વિચારો અને સંગઠન શક્તિએ હિંદુ સમાજને એકત્રિત કરવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આ આયોજન વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ, ઝાલોદના સૌજન્યથી કરવામાં આવ્યું હતું. ઝાલોદ નગરમાં આ કાર્યક્રમ દ્વારા હિંદુ એકતા અને સ્વાભિમાનનો સંદેશ પ્રબળ રીતે પ્રસર્યો હતો.