ઉપલેટાના ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના રાજપરા ગામની સીમમાં ૯ ડિસેમ્બરના રોજ શંકાસ્પદ મરણના બનાવમાં મોટો ખુલાસો થયો છે. મૃતક યુવકના સગા દીકરા અને તેમના ભાઇના દીકરા એટલે કે ભત્રીજાએ સાથે મળીને કાવતરૂ રચી પિતાની હત્યા કરી હતી અને તેને માર્ગ અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને લઇને ભાયાવદર પોલીસે ગણતરીના કલાકોમાં આ કાવતરાનો પર્દાફાશ કરતા બન્ને ભાઇઓને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી પ્રમાણે ૯ ડિસેમ્બરના રોજ રાજકોટ રૂરલ કંટ્રોલ રૂમ તરફથી ભાયાવદર પોલીસને રાજપરાથી ઢાંક ગામ તરફ જતા રસ્તે મરણ થવાની વર્ધી મળી હતી. ઘટનાસ્થળે પહોંચતા પોલીસને મરણ જનાર કાનાભાઇ મેરૂભાઇ જોગ (ઉ.વ.૫૦)નો મૃતદેહ તેમના સગા ભત્રીજા વિરમભાઇ ભૂપતભાઇ જોગ દ્વારા વાડી ખાતે લાવવામાં આવ્યો હતો. આ ઘટનામાં પ્રાથમિક દ્રષ્ટીએ મૃતકની લાશ અને ઘટનાસ્થળ પર વાહન અકસ્માત થયાના કોઇ નિશાનો ના જણાતા આ બનાવ શંકાસ્પદ લાગતો હતો અને આ અંગે ભાયાવદર પોલીસે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી.
પોલીસની ઊંડાણ પૂર્વકની તપાસમાં એવી હકીક્ત સામે આવી કે, મરણ જનાર કાનાભાઈ જોગનું મર્ડર તેમના સગા દીકરા રામદે કાનાભાઈ જોગ (ઉ.વ.૨૫) અને ભત્રીજા વિરમભાઈ ભૂપતભાઈ જોગ (ઉ.વ.૩૯) એ મળીને કર્યું હોવાની માહિતીઓ બહાર આવી હતી અને આ હત્યા પાછળનું મુખ્ય કારણ નાણાકીય હતું.
હત્યામાં સામેલ દીકરા રામદેને ઇઝરાયેલ દેશમાં નોકરી માટે જવું હતું, જેનો અંદાજે ૧૬ લાખ જેટલો ખર્ચ થતો હતો. તેણે લગભગ એક વર્ષ પહેલાં તેના પિતાના નામે એચડીએફસી બેંકનો વીમો ઉતરાવ્યો હતો, જેમાં પિતાનું મૃત્યુ થાય તો ૫૦-૭૦ લાખ મળવા પાત્ર હતા. વીમાનું બીજું પ્રીમિયમ ભરવાનો સમય પણ આવી ગયો હતો ત્યારે પૈસા મેળવવા માટે રામદેએ તેના પિતરાઈ ભાઈ (મોટા બાપુના દીકરા) વિરમભાઈને તેના પિતાનું મર્ડર કરવા માટે ૧ લાખ અને જીવે ત્યાં સુધી ભોજન આપવાની લાલચ આપી હતી. પાંચેક વર્ષ પહેલાં છૂટાછેડા થવાથી એકલા રહેતા વિરમભાઈ આ કામ કરવા માટે તૈયાર થઈ ગયા હતા. હત્યા કરવા માટે રામદેએ ૮ ડિસેમ્બરના રોજ ઉંદર મારવાની અને ઇતરડી જેવી જીવાતો મારવાની દવા લાવી આપી હતી ત્યારે પ્રથમ પ્રયાસમાં વિરમભાઈએ તે દવા મરણ જનારને બપોરના સમયે વાડીએ લઈ જઈ ઠંડા પીણા સાથે પીવડાવી હતી. જો કે, મરણ જનારે ઉલ્ટીઓ કરતા તેમનું મૃત્યુ થયું નહોતું અને બીજો પ્રયાસ (હત્યા) કરીને આ નિષ્ફળતા બાદ રામદેએ વિરમભાઈને કુહાડી વડે પિતાને મારી નાખવા જણાવ્યું હતું.
આ ઘટનામાં ૯ ડિસેમ્બરના રોજ વિરમભાઇ મરણ જનાર કાનાભાઇને મોટર સાઇકલ પર ઘરેથી વાડીએ લઇ ગયો હતો અને ત્યાં તેમને દારુ પીવડાવી વાડીની ઓરડીમાં સુવડાવી કુહાડી વડે માથામાં મરણતોલ ઘા મારીને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ ઘટના બાદ તેમણે ગુન્હો છુપાવવાનો પ્રયાસ કર્યો હતો અને હત્યા બાદ બન્ને ભાઇઓએ વાહન અકસ્માત થયો હોવાની ખોટી હકીક્ત પોલીસ અને અન્ય લોકોને જણાવી હતી. પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા ગણતરીના કલાકોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને બન્ને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા આ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલ કુહાડી તેમજ અગાઉ પીવડાવેલ દવા પણ કબ્જે કરેલ છે. પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.