
દક્ષિણ ગુજરાતમાં મંગળવારથી વરસાદે ફરી જાર પકડ્યું છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કપરાડા તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૬ ઇંચથી વધુ વરસાદ નોંધાતા પૂર જેવી Âસ્થતિ સર્જાઈ છે. બીજી તરફ વલસાડ શહેરમાં સવારે માત્ર બે કલાકમાં જ ૨ ઇંચ વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદને પગલે મધુબન ડેમમાં પાણીની આવક વધતા ડેમના દરવાજા ત્રણ મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે અને દમણગંગા નદીમાં ૯૯ હજાર ક્્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ, જ્યારે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. આગામી કલાકોમાં પણ ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપતાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ભારે વરસાદના કારણે નદી-નાળાઓ છલકાઈ ઉઠ્યા છે. તાલુકાના અનેક વિસ્તારોમાં નાના પુલ અને કોઝવે પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. કરર્ચોન્ડ-કાવચા રોડ સહિતના માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તુલસી નદી બે કાંઠે વહેતાં નદીનું પાણી પુલ પરથી પસાર થવા લાગ્યું હતું. જાખમ હોવા છતાં કેટલાક લોકો ધસમસતા પાણીમાંથી પુલ પાર કરતા જાવા મળ્યા હતા, જેના દૃશ્યો પણ સામે આવ્યા છે.
તંત્રએ લોકોને નદી-નાળાઓથી દૂર રહેવા અને જાખમ ન લેવા અપીલ કરી છે.ભારે વરસાદને કારણે મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પણ નોંધપાત્ર પાણીની આવક થઈ છે. હાલમાં ડેમનું જળસ્તર ૭૪.૩૫ મીટરે પહોંચી ગયું છે. ડેમમાં અંદાજે ૧.૨૧ લાખ ક્યૂસેક પાણીની આવક નોંધાઈ છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને ડેમના દરવાજા ત્રણ મીટર સુધી ખોલવામાં આવ્યા છે અને ૯૯ હજાર ક્યૂસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે. જેના કારણે દમણગંગા નદી કિનારે આવેલા દમણ, દાદરા અને નગર હવેલી તેમજ વાપી વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સ્થાનિક તંત્રએ લોકોને નદી કિનારાથી દૂર રહેવા સૂચના આપી છે.
વાપી અને આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદને કારણે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કોપરલી ચાર રસ્તા સહિતના મુખ્ય માર્ગો પર ઢીંચણસમા પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાતા ખાડીના પાણી માર્ગો પર ફરી વળતાં કેટલીક જગ્યાએ સાવચેતીના ભાગરૂપે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.ભારે વરસાદ અને ઓવરટોપિંગની સ્થિતિને કારણે જિલ્લામાં ૧૫૦થી વધુ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.