થાનગઢમાં ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ: છ આરોપી ઝડપાયા, ૧૨૦ મેટ્રિક ટન કોલસો જપ્ત

ફરી એકવાર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પ્રાંતમાં ગેરકાયદેસર ખનન થતું હોવાનું બહાર આવ્યું છે. ચોટીલાના નાયબ કલેકટર એચ. ટી. મકવાણા તથા થાનગઢના મામલતદારની સંયુક્ત ટીમે થાનગઢ તાલુકાના ખાખરાળી ગામમાં આકસ્મિક રેડ પાડી હતી, જેમાં ગેરકાયદેસર કોલસા ખનનનો મોટો પર્દાફાશ થયો છે.

ચોટીલાના નાયબ કલેકટર અને થાનગઢના મામલતદારની સંયુક્ત ટીમની રેડ દરમિયાન સરકારી સર્વે નંબર ૩૫૬ તેમજ ખાનગી સર્વે નંબર ૩૫૭, ૩૫૮ અને ૩૫૯ વાળી જમીનમાં ગેરકાયદેસર રીતે કોલસાનું ખોદકામ થતું હોવાનું ઝડપાઈ આવ્યું હતું. તપાસ દરમિયાન કુલ ૧૫ કુવાઓમાંથી ગેરકાયદેસર ખનન ચાલતું હતું, જ્યાંથી મોટી માત્રામાં ખનીજ સંપત્તિ ઝડપી પાડવામાં આવી.

તંત્રએ રેડ દરમિયાન ૧૨૦ મેટ્રિક ટન કોલસો, ૧૫ ચરખી અને ૧૫ બકેટ સહિત કુલ રૂ. ૧૦.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર મુદ્દામાલને મામલતદાર કચેરી, થાનગઢ ખાતે ખસેડી સીઝ કરવામાં આવ્યો છે.

ગેરકાયદેસર ખનન કાર્યમાં સંડોવાયેલા છ આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ખાખરાળીના રહેવાસી જીવણભાઈ હામાભાઈ ભરવાડ, જાગાભાઈ રાહાભાઈ ભરવાડ, અમરશીભાઈ સવજીભાઈ, ગોરધનભાઈ સવશીભાઈ તથા થાનગઢના સુનિલભાઈ મનુભાઈ ભરવાડ અને મનુભાઈ ભરવાડનો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન આસપાસના વિસ્તારમાં કુલ ૭ કોલોની અને ૭૯ ઝૂંપડાઓ જોવા મળ્યા હતા, જ્યાં મોટાભાગે મયપ્રદેશ અને દાહોદ જિલ્લાના પરપ્રાંતીય મજૂરો રહેતા હોવાનું સામે આવ્યું હતું. આ મજૂરોને આવી જોખમી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરવા સમજાવીને જગ્યા પરથી રવાના કરવામાં આવ્યા હતા.