સુરેન્દ્રનગર: ગાળો આપવાની ના પાડતા મિત્રએ જ મિત્રને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

ધ્રાંગધ્રા તાલુકાના રામદેવપુર ગામની સીમમાં બે મિત્રો વાતચીત કરી રહ્યા હતા, જેમાં એક મિત્રએ બીજા મિત્રને ગાળો આપવાની ના પાડતા બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા મિત્રએ અન્ય મિત્રને છરીના આડેધડ ૪ ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જો કે આ મામલે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા મિત્રને દબોચી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર સામાન્ય બાબતોમાં હત્યાના બનાવો બની રહ્યાં છે ત્યારે વધુ એક આવો જ બનાવ સામે આવ્યો છે. પરંતુ આ બનાવમાં મિત્રના હાથે મિત્રની હત્યા થતા સંબંધોમાં સૌથી વધુ ઊંચા એવા મિત્રતાના સંબંધની હત્યા થઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ ગામે રહેતા મનસુખ ઉર્ફે વિપુલ વજુભાઈ મુલડીયા અને તેના ગામ રાજગઢમાં જ રહેતા ચંદ્રકાંત ઉર્ફે અશોક બાજુભાઈ નગવાડિયા બંન્ને ખાસ મિત્રો હતા અને હંમેશા સાથે રહેતા હતા. ત્યારે ૬ ડિસેમ્બરના રોજ બંને મિત્રો રામદેવપુર ગામની સીમમાં બેઠા હતા અને વાતો કરી રહ્યાં હતા. તે દરમિયાન વાતો વાતોમાં ચંદ્રકાંત ઉર્ફે અશોકે મિત્ર મનસુખને ગાળો આપતા મનસુખે ગાળો આપવાની ના પાડતા બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ઉશ્કેરાયેલા ચંદ્રકાંતે મનસુખને આડેધડ છરીના ઘા ઝીંકી દીધા હતા. જેમાં છાતીના ભાગે બે ઘા વાગી જતા ગંભીર ઈજાઓ થતાં મનસુખનું મોત નિપજ્યું હતું. જ્યારે હત્યા કરી આરોપી ચંદ્રકાંત નાસી છુટ્યો હતો.

ધ્રાંગધ્રા તાલુકાના નાના એવા રામદેવપુર ગામમાં મિત્રના હાથે મિત્રની હત્યા થતા રામદેવપુર ગામ સહિતના આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જ્યારે આ બનાવ અંગે જાણ થતાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ટીમ તત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે હત્યા અંગેનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ હત્યારા મિત્ર ચંદ્રકાંત ઉર્ફે અશોક બાજુભાઈ નગવાડિયાને ઝડપી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પરંતુ સામાન્ય વાતમાં ઉશ્કેરાયેલા મિત્રના હાથે મિત્રની હત્યા થતા એક મિત્રની જિંદગીનો કરુણ અંત આવ્યો છે. જ્યારે બીજો મિત્ર જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે.