રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી! સતત બીજા દિવસે વધુ એક હત્યાનો બનાવ

શહેરમાં સતત બીજા દિવસે વધુ એક હત્યાનો બનાવ બન્યો હોવાની ઘટના સામે આવી છે. પરમદિવસે રવિવારે પ્રેમલગ્ન કરનાર પરિણીતાની તેના જ પતિ દ્વારા ઘાતકી હત્યા બાદ ગઈકાલે સોમવારે રાજકોટમાં ૧૮ વર્ષીય યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. ત્યારે સતત બે દિવસમાં બે હત્યાથી આખું શહેર હચમચી ઉઠ્યું છે, ત્યારે જે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસતા પોલીસે પણ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

વિગતવાર વાત કરીએ તો રાજકોટ શહેરના ભીલવાસ ઠક્કરબાપા વિસ્તારમાં સ્થિત હરિજનવાસમાં રહેતા ૧૮ વર્ષીય ધામક ઉર્ફે ધલુ મકવાણા નામના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા થઈ હતી. જે સમગ્ર ઘટનાની જાણ થતા તાત્કાલિક અસરથી ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળ ખાતે દોડી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ધામક રોડ સાઈડમાં સૂતેલા ગરીબ લોકોને હેરાન કરતો હોવાથી બોલાચાલી થઈ હતી. જે બોલાચાલીમાં મયુર લઢેર નામના વ્યક્તિ દ્વારા ધામકને છરીના ઘા ઝીંકી તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

બનાવ સંદર્ભે રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ ૧૦૩ (૧) મુજબ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા બનાવ સંદર્ભે મોમાઈ ટી સ્ટોલ ખાતે સીસીટીવી ફૂટેજ પણ કબજે કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા બનાવ ખાતે ઇક્ધવેસ્ટ પંચનામાની કાર્યવાહી પણ કરવામાં આવી છે. તેમજ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. તેમજ પીએમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતકની લાશને તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી.

નોંધનીય છે કે, આ બનાવને પગલે મોટી સંખ્યામાં મૃતક ધામકના પરિવારજનો તેમજ સગા સંબંધીઓ અને જ્ઞાતિના અગ્રણીઓ પીએમ રૂમ ખાતે એકઠા થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં મૃતક ધામકના પિતા પ્રકાશ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગઈકાલે મારા પુત્ર ધામકના મિત્રનો જન્મદિવસ હતો. ઠક્કરબાપા વાસમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ લોકો બહાર ગયા હતા. ત્યારે મોમાઈ ટી સ્ટોલ પાસે મયુર લઢેર નામના વ્યક્તિ સાથે માથાકૂટ થઈ હતી.

મૃતક ધામકના પિતા પ્રકાશ મકવાણાએ વધુમાં ઉમેર્યું કે, આ માથાકૂટ કયા કારણોસર થઈ હતી તે અંગે અમને ખ્યાલ નથી. પરંતુ અમારી માંગણી છે કે, આ મામલે હત્યારા મયુરને કડકમાં કડક સજા થાય. મયુર નામનો આ શખ્સ વિસ્તારમાં ત્રાસ પણ હોવાનું સામે આવ્યું છે. ત્યારે વાલ્મિકી સમાજમાં હાલ રોષની લાગણી જોવા મળી રહી છે. તેમજ આરોપીનું સરઘસ પણ કાઢવામાં આવે તે પ્રકારની માંગણી પરિવારજનો તેમજ સમાજ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હાલ મૃતક ધામક કપડાના શો રૂમમાં કામકાજ કરતો હોવાનું જાણવા મળ્યું છે. તેમજ બે ભાઈમાં પોતે સૌથી મોટો હોવાનું પણ હાલ જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં રવિવારના રોજ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આકાશદીપ સોસાયટીમાં યોગેશ બોરીચા નામના પતિ દ્વારા પોતાની પત્ની નિલેશ્ર્વરીની છરીના પાંચથી વધુ ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આમ, રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે હત્યાનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. દિવસે અને દિવસે લોકો કાયદો પોતાના હાથમાં લઈ રહ્યા હોવાના બનાવ એક બાદ એક સામે આવી રહ્યા છે.