દ્વારકામાં રખડતા પશુઓનો મામલો પહોંચ્યો હાઇકોર્ટ, ચીફ ઓફિસરે કરવો પડ્યો ખુલાસો

દ્વારકા શહેરમાં વધતા રખડતા પશુઓના ત્રાસને લઈને ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિત અરજી દાખલ થતાં મામલે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. અરજદારના જણાવ્યા મુજબ શહેરમાં લગભગ ૨ હજાર જેટલા રખડતા પશુઓ મુક્તપણે ફરતા હોવાથી સ્થાનિકો અને પર્યટકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હાઈકોર્ટે દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસરને તાત્કાલિક નોંધપાત્ર પગલાં અને અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીની વિગત રજૂ કરવાની સૂચના આપી છે.

ચીફ ઓફિસરે કોર્ટને જણાવ્યું કે દ્વારકામાં રખડતા પશુઓને પકડવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે અને સમયાંતરે સ્પેશિયલ ડ્રાઈવ પણ હાથ ધરવામાં આવે છે. પરંતુ અરજદારના મતે નગરપાલિકા માત્ર કાગળ પર કામગીરી બતાવે છે, જ્યારે જમીન પરની સ્થિતિ સંપૂર્ણ રીતે અલગ છે.

અરજદારનો આક્ષેપ છે કે રખડતા પશુઓ દ્વારા શહેરમાં અનેકવાર સ્થાનિકો અને પર્યટકો પર હુમલા થયાં છે. કેટલાક હુમલાઓમાં મૃત્યુનાં બનાવો પણ નોંધાયા છે, છતાં નગરપાલિકા તરફથી કોઈ ઠોસ અથવા લાંબા ગાળાનો ઉકેલ લાવવામાં આવ્યો નથી.

હાઈકોર્ટ હવે આગામી કાર્યવાહીમાં નગરપાલિકા દ્વારા રજૂ થનારી વિગતના આધારે આગળના આદેશો કરશે. દ્વારકામાં રખડતા પશુઓનો મુદ્દો વર્ષોથી ચર્ચામાં છે અને આ પીઆઇએલ બાદ હવે તેને કાનૂની ગતિ મળવાની આશા વ્યક્ત થઈ રહી છે.