સુરતમાં ઘરના ફ્લેટમાંથી ૫.૮૧ લાખના મુદ્દામાલ સાથે ડ્રગ્સનું મિનિ કારખાનું નિકળ્યું

શહેર પોલીસના નો ડ્રગ્સ અને સુરત સીટીઅભિયાન હેઠળ ઉત્રાણ પોલીસે ડ્રગ્સ નેટવર્ક પર મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બાતમીના આધારે પહેલા જાહેર રોડ પરથી અને ત્યારબાદ આરોપીના ઘરેથી સર્ચ ઓપરેશન દરમિયાન કુલ ૫૩.૩૪ ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ કાર્યવાહીમાં ડ્રગ્સ, વાહનો અને પેકિંગ સાધનો સહિત કુલ રૂ. ૫.૮૧ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે રીઢા ગુનેગાર કેતન પટેલની ધરપકડ કરી ડ્રગ્સના મુખ્ય સપ્લાયર્સને વોન્ટેડ જાહેર કર્યા છે.

ઉત્રાણ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સમતાનગરથી મનીષા ગરનાળા તરફ જતા રોડ પર મુન ગાર્ડન પાછળ દરોડો પાડવામાં આવ્યો હતો. મોડી રાત્રે કાળા રંગની એક્ટીવા પર ડ્રગ્સનું વેચાણ કરતા કેતન કાનજીભાઈ પટેલ ઉર્ફે વકીલ (રહે. રાધે રેસીડેન્સી, ઉત્રાણ)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં તેની પાસેથી ૩.૭૯ ગ્રામ એમડી ડ્રગ્સ, બે મોબાઇલ ફોન, એક્ટીવા અને ૧૦ સિરિંજ મળી આવ્યા હતા, જેથી પોલીસે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસ પૂછપરછમાં ડ્રગ્સનો આ જથ્થો કોસાડ આવાસમાં રહેતા મુસ્તિક પટેલ અને મુન્નાભાઈ પાસેથી મેળવ્યો હોવાનો ખુલાસો થતાં બંનેને વોન્ટેડ જાહેર કરાયા છે. બાદમાં પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી તેના ફ્લેટ પર દરોડો પાડ્યો હતો. ઘરની તપાસ દરમિયાન વધુ ૪૯.૫૫ ગ્રામ ડ્રગ્સ, એપ્સમ સોલ્ટ, ડ્રગ્સ પેકિંગ માટેની ૨૧૨ પ્લાસ્ટિક પુશલોક થેલીઓ, બે ઇલેક્ટ્રોનિક વજનકાંટા અને અન્ય વાસણો મળી આવ્યા હતા. ઘરના સર્ચ ઓપરેશનમાંથી કુલ રૂ. ૫.૦૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપી કેતન પટેલ સામે અગાઉ પણ ૨૦૨૫માં ડીસીબી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ અને ૨૦૨૬માં વરાછા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાઈ ચુક્યો છે. હાલ ઉત્રાણ પોલીસે આ સમગ્ર ડ્રગ્સ રેકેટનું નેટવર્ક ક્યા સુધી ફેલાયેલું છે અને અન્ય કોણ-કોણ તેમાં સંડોવાયેલું છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.