નવા વર્ષની ઉજવણી વચ્ચે સુરતમાં થયેલી ૨૪ વર્ષીય યુવાનની નિર્મમ હત્યાએ સમગ્ર શહેરને ઝંઝોળી નાખ્યું છે. વર્ષ ૨૦૨૬ના પ્રથમ દિવસે જ સુરતના લિંબાયત વિસ્તારમાં ૨૪ વર્ષીય જયેશ પટેલ નામના યુવાનની ચપ્પુ મારી હત્યા થઈ હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. જેણે કાયદો-વ્યવસ્થા અને પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે, ત્યારે પોલીસે પણ આ બાબતને ગંભીરતાથી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ ઘટના અંગેની પ્રાપ્ત વિગતો મુજબ, ગતરોજ વર્ષના અંતિમ દિને એટલે કે ૩૧ ડિસેમ્બરની રાત્રે સુરતના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોએ બેફામ બની જયેશ પટેલ પર હુમલો કર્યો હતો. જૂની અદાવતના કારણે થયેલા આ હુમલામાં જયેશના પેટમાં ચપ્પુના ઘા ઝીંકવામાં આવ્યા હતા. જેથી ગંભીર હાલતમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
આ મામલે આમ નવા વર્ષની ખુશીઓ વચ્ચે એક પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. ત્યારે મૃતક જયેશ પટેલના પરિવારજનોએ વિશાલ વાઘ, રાકેશ ગોરખ સહિત કુલ ૮ લોકો સામે હત્યાનો આક્ષેપ કર્યો છે. આ મામલે પરિવારનો આરોપ છે કે આરોપીઓ સાથે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો અને અગાઉ પણ ધમકીઓ આપવામાં આવી હતી. તેમ છતાં, પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી ન હોવાના કારણે આરોપીઓના હૌસલા વયા અને અંતે એક યુવાનનો જીવ ગયો છે.
આ હત્યાની સૌથી કરુણ બાબત એ છે કે, જયેશને સંતાને એક અઢી વર્ષની નાની બાળકી પણ છે, જેથી જયેશની આ રીતે નિર્મમ હત્યા થતા આ બાળકીએ પોતાના પિતાના સ્નેહથી સદાય માટે વંચિત રહી ગઈ છે. ત્યારે ઘટનાથી તેના પરિવારજનોના રોદનથી સમગ્ર વિસ્તાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
નોંધનીય છે કે, ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી છે. ત્યારે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો સવાલ છે કે નવા વર્ષના દિવસે ભારે પોલીસ બંદોબસ્ત હોવા છતાં આટલી મોટી ઘટના કેવી રીતે બની? ૩૧ ડિસેમ્બરની રાત્રે પોલીસ માત્ર નશાખોરો સામે કાર્યવાહી કરવા સુધી સીમિત રહી ગઈ હતી કે શું?
આ મામલે સ્થાનિક રહીશોનો પણ આરોપ છે કે, લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વો લાંબા સમયથી સક્રિય છે. અગાઉથી જ જો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હોત, તો કદાચ આ હત્યા ટાળી શકાય તેમ હતી. જેથી હાલ લોકોમાં ભયનો માહોલ છે અને પોલીસ પેટ્રોલિંગ માત્ર કાગળ પર જ સીમિત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. લિંબાયત વિસ્તાર પોલીસ માટે ‘નો-ઝોન’ બની ગયો છે કે શું?” એવો સવાલ પણ હવે ઉઠી રહ્યો છે. કારણ કે આ વિસ્તારમાંથી એક પછી એક ગુનાહિત ઘટનાઓ બનતી હોવા છતાં અસરકારક પગલાં ન લેવાતા હોવાના આરોપો મુકી સ્થાનિકો પોલીસની કાર્યપદ્ધતિ પર સવાલો ઊભા થયા છે.
હાલ આ હત્યા બનાવ મામલે પોલીસે પરિવારની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી પાડવાની દિશામાં કાર્યવાહી ચાલી રહી હોવાનું જણાવાયું છે. પરંતુ નવા વર્ષના પ્રથમ દિવસે થયેલી આ હત્યાએ સુરત શહેરની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર ચિંતાનો વિષય ઉભો કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ કેસમાં કેટલી ઝડપથી અને કેટલી અસરકારક રીતે ન્યાય અપાવે છે, અને લિંબાયત વિસ્તારમાં ફરી શાંતિ અને વિશ્ર્વાસ સ્થાપિત કરી શકે છે કે નહીં.