
શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીની ટ્રાઇબલ ચેર દ્વારા આદિવાસી ગૌરવ ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલપતિ પ્રો.હરિભાઈ કાતરીયાના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના અધિકારીઓ, અધ્યાપકો અને સ્ટાફે ક્રાંતિવીરના બલિદાનને નમન કરી આદિવાસી સમાજના ઉત્થાન માટે કામ કરવાનો સંકલ્પ લીધો હતો.
કુલસચિવ ડો. અનિલભાઈ સોલંકીની દૂરદૃષ્ટિ અને ટ્રાઇબલ ચેરના કોર્ડીનેટર ડો. મહેશભાઈ રાઠવાના નેતૃત્વમાં યોજાયેલી આ સભામાં વક્તાઓએ ભગવાન બિરસા મુંડાના ઉલગુલાન આંદોલન, જળ-જંગલ-જમીનની રક્ષા કાજે આપેલા બલિદાન અને સામાજીક સુધારાના વિચારો પર પ્રકાશ પાડ્યો હતો. આ અવસરે ટ્રાઇબલ ચેર દ્વારા આદિવાસી વિસ્તારોમાં શિક્ષણનો પ્રસાર, ભાષા-સંસ્કૃતિનું સંરક્ષણ અને સ્વાસ્થ્ય જાગૃતિ જેવા પાંચ મુખ્ય મુદ્દાઓ પર કાર્ય કરવા આહવાન કરાયું હતું.
આ કાર્યક્રમમાં હિન્દી વિભાગના અધ્યક્ષ ડો. જયંતીભાઈ પટેલ, ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો. સુરેશભાઈ પટેલ, અનિલભાઈ લકુમ, કનુભાઈ ચંદાણા, ડો. સાબતસિંહ પટેલ, ડો. મોસીન ગરાણા તેમજ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહી શહીદ વીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.