
શહેરા -રેણા માર્ગ પર છાણીપ ચોકડી પાસે ઘાસ ભરીને પસાર થઈ રહેલી એક આઇસર ગાડીમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખી ગાડી આગની લપેટમાં આવી ગઈ હતી અને જોનારાઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ અકસ્માતમાં સૌથી આશ્ચર્યજનક અને આક્રોશજનક બાબત એ રહી કે શહેરા પાલિકામાં ફાયર ફાઈટર હોવા છતાં, દૂર ગોધરાથી ફાયર ટીમ આવી હતી. આઇસર ગાડી ઘાસ સાથે બળી રહેલી જોતા ગાડી માલિક ના આંખ માંથી આંસુ વહેતા થયા હતા.
શહેરા તાલુકાના નરસાણા ગામથી ખેડૂત પોતાની આઇસર ગાડીમાં ઘાસ ભરીને ગોધરા તાલુકાના ભામૈયા ખાતે જવા નીકળ્યો હતો. ગાડી જ્યારે શહેરા-રેણા માર્ગ પર આવેલી છાણીપ ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક કોઈ અજાણ્યા કારણોસર ઘાસમાં આગ ભભૂકી ઉઠી હતી. પવનના કારણે સૂકા ઘાસમાં આગે મિનિટોમાં જ રૌદ્ર સ્વપ ધારણ કરી લીધું હતું. ડ્રાઈવર અને આસપાસના લોકો કંઈ સમજે તે પહેલાં જ આખી આઇસર ગાડી અગનગોળામાં ફેરવાઈ ગઈ હતી.
ઘટનાને પગલે જાગૃત નાગરિક એ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. જોકે, આ ઘટનામાં સરકારી તંત્રની ઘોર લાપરવાહી સામે આવી છે. શહેરા નગરપાલિકા માં ફાયર ફાઈટર હોવા છતાં, કોઈ અગમ્ય કારણોસર છેક ગોધરા ખાતેથી ફાયર ફાઈટરને બોલાવવાની ફરજ પડી હતી. ગોધરાથી શહેરાની છાણીપ ચોકડીનું અંતર વધારે હોવાથી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ ઓલવી હતી.જોકે ઘાસ ભરેલી આઇસર ગાડી મોટા ભાગે બળી ગઈ હતી. જેને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે કે, “જો સ્થાનિક સુવિધા સમયસર કામ ન આવતી હોય તો તેનો ફાયદો શું?”આ ભીષણ આગના બનાવમાં ગાડીના માલિકને લાખો પિયાનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પોતાની કમાણીનું સાધન નજર સામે જ બળી રહેલું જોતા ગાડી માલિક ભારે ચિંતા અને આઘાતમાં સરી પડ્યો હતો. આઇસર ગાડીમાં આગ કયા ટેકનિકલ કારણોસર કે શોર્ટ સર્કિટના લીધે લાગી તે કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે. પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
શહેરા તાલુકા કે નગર વિસ્તારમાં આગ લાગે ત્યારે છેક ૨૦ કિલોમીટર દૂર આવેલા ગોધરાથી ફાયર ફાઈટર બોલાવવું પડે છે. કટોકટીની પળોમાં એક-એક મિનિટ કિંમતી હોય છે, તેવામાં ગોધરાથી ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ લાખોની માલમત્તા મોટા બાગે બળી ગઈ હોય છે. મંગળવાર ની રાત્રે આઇસરની ઘટનામાં પણ બરાબર આવું જ બન્યું; જો શહેરાનું પોતાનું ફાયર ફાઈટર ચાલુ હોત તો કદાચ ગાડીને આટલું મોટું નુકસાન થતું બચાવી શકાયું હોત.