શાહપુરમાં ગટર-પાણીના કામો અધૂરાં, આસિસ્ટન્ટ સિટી ઇજનેરની ઓફિસને તાળું મારી વિરોધ

અમદાવાદ શહેરના શાહપુર વોર્ડમાં ગટર, પાણી અને વિકાસનાં કામો સમયસર પૂર્ણ ન થતાં ભાજપના કોર્પોરેટર જીતેન્દ્ર ચૌહાણે મ્યુનિસિપલ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. દૂધેશ્વર પાણીની ટાંકી પાસે આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ ઓફિસમાં આસિસ્ટન્ટ સિટી ઇજનેરની ઓફિસને તાળું મારીને તેમણે વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ તેમણે આક્ષેપ કર્યો હતો કે વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવતું નથી.

શાહપુર વોર્ડના કોર્પોરેટરના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં ગટર અને પાણીની સમસ્યાઓ અંગે સતત ફરિયાદો મળે છે. સ્થાનિક લોકો પોતાની સમસ્યાઓ લઈને કોર્પોરેટરની ઓફિસે પહોંચે છે, પરંતુ સંબંધિત અધિકારીઓને રજૂઆત કર્યા બાદ પણ જરૂરી કામો આગળ વધતા નથી.

તેમણે દાવો કર્યો હતો કે કેટલાક પ્રોજેક્ટનાં કામો છેલ્લા છથી આઠ મહિનાથી અધૂરાં છે. આ ઉપરાંત કોર્પોરેટરોના બજેટમાંથી થવાનાં વિકાસનાં કામો પણ હજુ સુધી પૂર્ણ થયાં નથી. પરિણામે સ્થાનિક સ્તરે લોકોની મુશ્કેલીઓ વધી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

જીતેન્દ્ર ચૌહાણે કહ્યું હતું કે આ મુદ્દે તેમણે દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન સમક્ષ પણ રજૂઆત કરી છે. જાકે, તેમના દાવા મુજબ અધિકારીઓ સમસ્યાઓને ગંભીરતાથી લેતા નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે કમિટીની બેઠકો દરમિયાન આ મુદ્દાઓ રજૂ કરવા છતાં કામોમાં અપેક્ષિત પ્રગતિ થઈ નથી.

તેમણે મ્યુનિસિપલ કમિશનરની કામગીરી સામે સવાલ ઉઠાવતાં કહ્યું કે જો કમિશનર શહેરનાં કામો કરાવવામાં સક્ષમ ન હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. આસિસ્ટન્ટ સિટી ઇજનેરની ઓફિસને તાળું માર્યા બાદ કોર્પોરેટર ચૌહાણે ચીમકી આપી હતી કે જો વિકાસનાં કામો શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અન્ય કચેરીઓમાં પણ તાળાબંધી કરવામાં આવશે.

તેમણે ખાસ કરીને શાહપુર વિસ્તારની ચાલીઓમાં ગટર અને પાણીની સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો. રોડ અને ફૂટપાથનાં કામોમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સાથે તેમણે સંબંધિત અધિકારીઓ સામે વિજિલન્સ તપાસ કરવાની પણ માગ કરી હતી. અધિકારીઓની સંપત્તિ અને આવકનાં સાધનોની તપાસ થવી જાઈએ તેવી માગ પણ તેમણે કરી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લાંબા સમયથી ભાજપનું શાસન હોવા છતાં પક્ષના જ કોર્પોરેટર દ્વારા અધિકારીઓની કામગીરી સામે આટલો ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવતાં સ્થાનિક રાજકારણમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે મ્યુનિસિપલ તંત્ર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા ઉપલબ્ધ ન હોવાથી, આ મામલે તંત્રનો પક્ષ સામે આવ્યા બાદ જ સમગ્ર સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ શકશે.