શહેરામાં વટસાવિત્રી વ્રતની હર્ષોલ્લાસભેર ઉજવણી : પરિણીત મહિલાઓએ વડલાની પૂજા કરી દીર્ઘાયુષ્ના આશિષ માગ્યા

શહેરામાં શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે વટસાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. અખંડ સૌભાગ્ય અને પતિના દીર્ઘાયુની કામના સાથે નગરની પરિણીત મહિલાઓ અને સુહાગીનોએ વહેલી સવારથી જ ઉત્સાહભેર આ વ્રતની આરાધના કરી હતી. નગરના વિવિધ વિસ્તારોમાં આવેલા વડના વૃક્ષો પાસે વહેલી સવારથી જ પૂજન અર્ચન માટે મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી, જેના કારણે સમગ્ર પંથકમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો.મહિલાઓએ વડના થડ પર અબીલ, ગુલાલ, કુમકુમ, ચોખા અને પુષ્પો અર્પણ કર્યા હતા. ત્યારબાદ સુતરનો કાચો દોરો હાથમાં રાખીને વડના વૃક્ષની આસપાસ સાત ફેરા ફરી, પરિક્રમા કરીને દોરો વીંટાળ્યો હતો. આ પવિત્ર ફેરા દરમિયાન પ્રત્યેક મહિલાએ પોતાના પતિના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને સંતાનોના સુખ-સમૃદ્ધિ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી.પૂજાવિધિ સંપન્ન કર્યા બાદ મહિલાઓએ એકબીજા સાથે મળીને વટસાવિત્રી વ્રતની પૌરાણિક કથાનું શ્રવણ કર્યું હતું. જેમાં સતી સાવિત્રીએ પોતાના દ્રઢ સંકલ્પ અને પિતભક્તિના બળે યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ કેવી રીતે પરત મેળવ્યા હતા, તેનું રસપાન કરવામાં આવ્યું હતું. પૂજાના ભાગરૂપે મહિલાઓએ વડલાને ભીંજવેલા ચણા, મોસમી ફળો જેમ કે કેરી, જાંબુ અર્પણ કર્યા હતા.આજના આધુનિક યુગમાં પણ મહિલાઓએ પોતાની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓને જીવંત રાખીને આ વ્રત સંપૂર્ણ આસ્થા સાથે ઉજવ્યું હતું,