સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સવારથી જ જિલ્લાના મતદારોમાં જોવા મળતો ભારે ઉત્સાહ

મોટા સોનેલા પ્રાથમિક શાળા ખાતે ૮૦ વર્ષની જૈફ વયે કાળુભાઈએ શારીરિક અશક્તિ વચ્ચે પણ અદા કરી પવિત્ર ફરજ

“હું આ ઉંમરે મત આપી શકતો હોઉં, તો સૌએ આપવો જોઈએ”: અન્ય નાગરિકોને મતદાન કરવા કાળુભાઈની અપીલ

મહીસાગર જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત સવારથી જ શાંતિપૂર્ણ અને ઉત્સાહવર્ધક માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. લોકશાહીના આ મહાપર્વમાં યુવાનોથી લઈને મહિલાઓ અને વૃદ્ધોમાં ભારે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના વિવિધ મતદાન મથકો પર સવારથી જ જાગૃત મતદારોની કતારો જોવા મળી રહી છે, ત્યારે જિલ્લાના મોટા સોનેલા ગામમાંથી યુવાનોને શરમાવે તેવો એક અત્યંત પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે.

મોટા સોનેલા ગામના રહીશ અને ૮૦ વર્ષની જૈફ વય ધરાવતા વડીલ કાળુભાઈ વણકરે આજે ઉંમર અને શારીરિક અશક્તિને બાજુ પર મૂકીને લોકશાહી પ્રત્યેની પોતાની અનોખી નિષ્ઠા દર્શાવી છે. તેઓ લાકડીના સહારે ધીમે ધીમે ચાલીને મોટા સોનેલા પ્રાથમિક શાળા ખાતે ઊભા કરવામાં આવેલા મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો પવિત્ર ઉપયોગ કર્યો હતો.૮૦ વર્ષની ઉંમરે પણ ભારે ઉત્સાહ સાથે મતદાન કરવા પહોંચેલા કાળુભાઈએ અન્ય યુવાનો અને ગ્રામજનો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મતદાન કર્યા બાદ તેમણે બૂથની બહાર અન્ય નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, “મતદાન એ આપણો પવિત્ર અધિકાર અને સૌથી મોટી ફરજ છે. જો હું ૮૦ વર્ષની ઉંમરે લાકડીના ટેકે આવીને મત આપી શકતો હોઉં, તો દરેક નાગરિકે પોતાનો સમય કાઢીને લોકશાહીના આ પર્વમાં અચૂક મતદાન કરવા જવું જોઈએ.”અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથકો પર વડીલો, દિવ્યાંગો અને મહિલાઓ માટે વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જેના પરિણામે કાળુભાઈ જેવા અનેક વડીલો કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના સરળતાથી પોતાનો મત આપી રહ્યા છે અને લોકશાહીને વધુ સુદ્રઢ બનાવી રહ્યા છે.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦