મહીસાગર જિલ્લામાં લોકશાહીનો અદ્ભુત નજારો : લુણાવાડાના સેના દરિયા ગોરાળા ખાતે ૧૦૭ વર્ષીય કિશોરબા સોલંકીએ કર્યું મતદાન

મહીસાગર જિલ્લામાં આજે ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં મતદારોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકશાહીના આ પર્વમાં જ્યાં એક તરફ યુવા મતદારો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે, ત્યાં બીજી તરફ શતાબ્દી વટાવી ચૂકેલા વડીલો પણ રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ નિભાવવામાં અગ્રેસર જોવા મળી રહ્યા છે. આજે લુણાવાડા ખાતે લોકશાહીને ઉજાગર કરતું અને સૌને પ્રેરણા આપતું એક અત્યંત અદભુત દ્રશ્ય જોવા મળ્યું હતું.

લુણાવાડાના સેના દરિયા ગોરાળા ખાતે ઊભા કરવામાં આવેલા મતદાન મથક પર સુતારી ગામના રહીશ અને ૧૦૭ વર્ષની અતિ જૈફ વય ધરાવતા વૃદ્ધા કિશોરબા સોલંકીએ પોતાનો કિંમતી મત આપીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ૧૦૭ વર્ષની ઉંમરે, એટલે કે જીવનની એક સદી પૂર્ણ કર્યા પછી પણ લોકશાહી પ્રત્યેનો તેમનો સંકલ્પ જરા પણ ડગ્યો નથી.

આજે સવારે જ કિશોરબા યુવાનોને શરમાવે તેવા અનેરા ઉત્સાહ સાથે પોતાના પરિવારજનો સાથે સેના દરિયા ગોરાળા મતદાન મથકે પહોંચ્યા હતા અને ઈ.વી.એમ. (ઊટખ) મશીનનું બટન દબાવી પોતાના મતાધિકારનો પવિત્ર ઉપયોગ કર્યો હતો. ઉંમરના આ પડાવે શારીરિક મર્યાદાઓ હોવા છતાં, કોઈ પણ બહાના કાઢ્યા વિના કિશોરબાએ મતદાન કરીને અન્ય નાગરિકો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.તેમનો આ અદમ્ય ઉત્સાહ જોઈને મતદાન મથક પર ઉપસ્થિત ચૂંટણી સ્ટાફ અને અન્ય મતદારો પણ અભિભૂત થઈ ગયા હતા. ૧૦૭ વર્ષની વયે તેમનું આ મતદાન એ લોકો માટે એક જાગૃતિનો અને પ્રેરણાનો સંદેશ છે જેઓ સામાન્ય કારણોસર મતદાન કરવા જવાનું ટાળે છે.