સાસુને પ્રતિબંધિત ઘેનની દવા ખવડાવી અર્ધબેભાન રાખી પુત્રવધૂએ રૂ. ૧.૮૪ કરોડ હડપ કર્યા

અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં માનવતા અને સંબંધોને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ૭૯ વર્ષીય વૃદ્ધાને પ્રતિબંધિત ઘેનની દવા ખવડાવીને સતત અર્ધબેભાન અવસ્થામાં રાખી, તેમના બેંક ખાતામાંથી કુલ રૂ. ૧.૮૪ કરોડ ટ્રાન્સફર કરી લેવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. પુત્રના અવસાન બાદ સાસુ સાથે રહેતી પુત્રવધૂએ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનમાં છેડછાડ કરીને ઘેનની ગોળીઓ મેળવી હતી અને કોરા ચેક તથા મૃતક પતિના મોબાઈલનો ઉપયોગ કરીને આ મોટી રકમ પોતાના ખાતામાં તેમજ મ્યુચ્યુઅલ ફંડમાં ટ્રાન્સફર કરી લીધી હતી. આ સમગ્ર મામલે વૃદ્ધાએ પાલડી પોલીસ સ્ટેશનમાં પુત્રવધૂ અંકિતા શાહ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.નકશા જુઓ

મૂળ આંબાવાડી ખાતે રહેતા ૭૯ વર્ષીય જયશ્રી શાહના પુત્ર અભિષેકનું ૧૨ મે, ૨૦૨૪ના રોજ હાર્ટ એટેક આવતાં અવસાન થયું હતું. પુત્રના નિધન બાદ જયશ્રીબેન પુત્રવધૂ અંકિતા અને પૌત્રી સાથે રહેવા ગયા હતા. પતિના મૃત્યુ બાદ અંકિતાએ ઝઘડો કરીને તેમજ ભાવનાત્મક દબાણ ઊભું કરીને સાસુના બેંકના જાઈન્ટ ખાતામાં પોતાનું નામ દાખલ કરાવી લીધું હતું. ત્યારબાદ ઘરખર્ચના બહાને ડરાવી-ધમકાવીને કોરા ચેક પર વૃદ્ધાની સહીઓ લેવાની શરૂઆત કરી હતી.

તપાસમાં એવી હકીકત પણ સામે આવી છે કે, આરોપી પુત્રવધૂએ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનમાં જાતે અથવા કોઈ મળતિયા મારફતે પ્રતિબંધિત ઘેનની દવા લખીને પાલડી વિસ્તારના મેડિકલ સ્ટોરમાંથી મેળવી લીધી હતી. તે નિયમિતપણે સાસુને આ દવા આપતી હોવાનું જાણવા મળે છે. સતત ઘેનની દવાની અસર હેઠળ રહેવાને કારણે જયશ્રીબેનને વારંવાર ઘેન અને ચક્કર આવતા હતા, તેમજ તેમની તબિયત લથડતાં તેમને અવારનવાર હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડતી હતી.

આ દરમિયાન, સપ્ટેમ્બર ૨૦૨૫માં જયશ્રીબેનની તબિયત અત્યંત નાજુક બની હતી અને તેઓ પોતાની દીકરી કોષાને પણ ઓળખી શકે તેમ ન હતા. પરિસ્થિતિ ગંભીર જણાતાં દીકરીએ તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હોસ્પિટલમાં કરવામાં આવેલા બ્લડ રિપોર્ટમાં વૃદ્ધાને ઘેનની દવાઓ અપાઈ રહી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

આ રિપોર્ટ બાદ શંકા જતાં પુત્રી અને જમાઈએ બેંક ખાતાની ઝીણવટભરી તપાસ કરાવી હતી. બેંકની વિગતો તપાસતાં સામે આવ્યું કે, અંકિતા સહી કરાવેલા કોરા ચેક મારફતે બેંકમાંથી પોતાના ખાતામાં અને મ્યુચ્યુઅલ ફંડમાં લાખો રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત, મૃતક પતિ અભિષેકના મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને અન્ય બેંકના ખાતામાંથી ઓનલાઈન ટ્રાન્જેક્શન દ્વારા કુલ રૂ. ૧.૮૪ કરોડ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. સમગ્ર મામલે ફરિયાદ નોંધાયા બાદ પાલડી પોલીસે બેંક ટ્રાન્જેક્શન, પ્રિસ્ક્રિપ્શન અને મેડિકલ સ્ટોરના રેકોર્ડ સહિતના મુદ્દાઓ પર ઊંડી તપાસ શરૂ કરી છે.