સરકારી તિજારી છલકાઈ, નવસારી ખાણ- ખનિજ વિભાગની ૧૦૦ કરોડની કમાણી, હવે લક્ષ્યાંક ૧૫૦ કરોડનો

નવસારી જિલ્લામાં ખાણ-ખનિજ વિભાગે ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે જે આક્રમક અભિયાન શરૂ કર્યું છે, તે આજે એક મોડેલ કામગીરી તરીકે ઉભરી આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં ખનિજ ભંડાર તરીકે ઓળખાતા આ જિલ્લામાં તંત્રે કડક વલણ અપનાવી ખનિજ માફિયાઓના ગેરકાયદે ધંધાઓને જડમૂળથી હચમચાવી નાખ્યા છે. આ કામગીરી માત્ર કાયદાનો અમલ પૂરતી સીમિત નથી રહી, પરંતુ સરકારની તિજારીને પણ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ છે. ચાલુ નાણાકીય વર્ષમાં રોયલ્ટીની આવક ૧૦૦ કરોડને પાર પહોંચી છે, જ્યારે આગામી વર્ષ માટે ૧૫૦ કરોડનો મહ¥વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

આ સમગ્ર અભિયાનની સફળતા પાછળ આંકડાઓ પોતે જ સાક્ષી છે. જિલ્લામાં કુલ ૧૫૪ કેસમાં ૧૭૧.૪૨ કરોડની વસૂલાત કરવામાં આવી છે, જે તંત્રની સચોટ અને કડક કામગીરી દર્શાવે છે. માત્ર એપ્રિલથી અત્યાર સુધીના સમયમાં જ ૮૩ કેસમાં ૬૪.૬૯ કરોડ વસૂલાયા છે. ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવા માટે વિભાગે ત્રણ સ્તરે કાર્યવાહી કરી ગેરકાયદે ખનનમાં ૮ કેસમાં ૧.૪૨ કરોડ, ગેરકાયદે વહનમાં ૨૭ કેસમાં સૌથી વધુ ૨૪.૫૬ કરોડ અને ગેરકાયદે સંગ્રહમાં ૨ કેસમાં ૨.૨૭ કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ સાથે જ ૧૮૨ વાહનો જપ્ત કરાતા ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

નવસારી જિલ્લાની ખનિજ સંપત્તિ, ખાસ કરીને ચીખલી તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં આવેલા બ્લેક સ્ટોનના ભંડાર, સરકાર માટે આવકનો મુખ્ય આધાર બની રહ્યા છે. આ સંસાધનોનો કાયદેસર અને સુવ્યવÂસ્થત ઉપયોગ થાય તે માટે તંત્ર દ્વારા વધુ ૧૩ નવી લીઝ મંજૂર કરવામાં આવી છે, જે આવક વધારવા સાથે વિકાસને પણ ગતિ આપશે. આ પગલું દર્શાવે છે કે વિભાગ માત્ર ગેરકાયદે પ્રવૃત્તિઓને અટકાવતો નથી, પરંતુ કાયદેસર વ્યવસ્થાને મજબૂત બનાવવામાં પણ સક્રિય છે.

આગામી સમયમાં વિભાગે વધુ મોટા લક્ષ્યાંક સાથે આગળ વધવાનો સંકલ્પ કર્યો છે. વર્ષ ૨૦૨૫-૨૬ માટે અંદાજે ૧૪૫ કરોડની આવકનું અનુમાન રાખીને ૧૫૦ કરોડનો ટાર્ગેટ સિદ્ધ કરવાની દિશામાં કામગીરી તેજ કરવામાં આવી રહી છે. ખનિજ માફિયાઓ દ્વારા થતી ચોરીને સંપૂર્ણપણે રોકવા માટે વધુ કડક તપાસ અને સતત મોનિટરિંગ હાથ ધરાશે, જેથી સરકારને થતું નુકસાન અટકાવી શકાય.