સંખેડાના રાણાવાસમાં ૯૪ વર્ષ જૂની જલઝીલણી અગિયારસની ઉજવણી

ગાજબીજ માતાની સ્થાપના કરી, દહીંનો પ્રસાદ ધરાવાયો; નિ:સંતાન દંપતીઓએ માનતા કરી.

સંખેડા નગરના રાણાવાસ વિસ્તારમાં જલઝીલણી અગિયારસ (પરિવર્તિની એકાદશી) ની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાઈ. આ પરંપરા છેલ્લા ૯૪ વર્ષથી પણ વધુ સમયથી ચાલી આવે છે.

આ દિવસે વિસ્તારની મહિલાઓ એકઠી થઈને ગાજબીજ માતાની સ્થાપના કરે છે. માટીના કળશ ભરીને રાખવામાં આવે છે અને તેની પૂજા કરાય છે. આ પૂજાનું વિશેષ મહત્વ છે. માન્યતા મુજબ જે દંપતીને સંતાન ન થતા હોય, તેઓ અહીં આવીને ગાજબીજ માતાની પૂજા કરે છે અને માનતા માને છે.

પૂજા દરમિયાન માતાજીને સોનાના દાગીના પહેરાવાય છે અને દહીંનો પ્રસાદ ધરાવાય છે. આ પૂજામાં રાણાવાસની મોટી સંખ્યામાં મહિલાઓ, યુવતીઓ અને બાળાઓએ ભાગ લીધો. સૌએ હાથ જોડીને ગામની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી.