–આદિવાસી યુવાનોને શિક્ષિત બનાવતા ‘જળ-જંગલ-જમીન’નું જતન કરી ‘વિકસિત ભારત ૨૦૪૭’ના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા આહ્વાન કરતાં મંત્રી કુંવરજી બાવળિયા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર દ્વારા અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં રસ્તા, પાણી, વીજળી અને દીકરીઓના શિક્ષણ જેવી પાયાની સુવિધાઓ પહોંચાડવામાં આવી રહી છે : જિલ્લા પંચાયત પ્રમુખ
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ’જનજાતીય ગૌરવ સપ્તાહ’ની ઉજવણી અંતર્ગત સંતરામપુરના નગરપાલિકા હોલ ખાતે રાજ્યના શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર,ગ્રામ વિકાસ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને યુવા સંમેલન યોજાયું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનોને સંબોધતા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ ભગવાન બિરસા મુંડાના બલિદાન અને તેમના જીવન સંદેશને યાદ કર્યો હતો. તેમણે આદિવાસી યુવાનોને શિક્ષિત બનવા, દેશને પ્રથમ રાખવા, ડિજિટલ અને અન્ય વ્યસનોથી મુક્ત રહેવા તથા ’જળ-જંગલ-જમીન’નું જતન કરી ’વિકસિત ભારત ૨૦૪૭’ના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. મંત્રીશ્રીએ આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે સરકારની ’વનબંધુ કલ્યાણ યોજના’, ’એકલવ્ય મોડેલ સ્કૂલ’ અને ’પીએમ જનમન’ જેવી કલ્યાણકારી યોજનાઓનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત, આશ્રમ શાળાઓ, છાત્રાલયો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની સહાય થકી આદિવાસી વિદ્યાર્થીઓ એમબીબીએસ જેવા ઉચ્ચ શિક્ષણમાં જે પ્રગતિ કરી રહ્યા છે તેની તેમણે સરાહના કરી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવારે ભગવાન બિરસા મુંડાના પ્રેરણાદાયી જીવનમાંથી યુવાનોને પ્રેરણા લેવા જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર દ્વારા અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં રસ્તા, પાણી, વીજળી અને દીકરીઓના શિક્ષણ જેવી પાયાની સુવિધાઓ પહોંચાડવામાં આવી રહી છે. તેમણે ૧૨ થી ૧૮ નવેમ્બર સુધી ચાલનારા આ ગૌરવવંતા દિવસોમાં ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સૌને એક થઈને આદિવાસીના વિકાસ માટે પ્રયાસ કરવા અનુરોધ કર્યો હતો.
કલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, અગાઉના દાયકાઓમાં આદિવાસી વિસ્તારોમાં પાયાની સુવિધાઓનો સદંતર અભાવ હતો, પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં શરૂ કરાયેલી ’વનબંધુ કલ્યાણ યોજના’ થકી આજે આ વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વ્યાપ વધ્યો છે. આજે આદિવાસી સમાજના યુવાનો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી ડોક્ટર અને વકીલ બની રહ્યા છે. છેવાડાના ઘરો સુધી મીટર આધારિત અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોર સહિતના જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખો, પદાધિકારીઓ, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.