સ્મૃતિ મંધાનાએ એક એવો રેકોર્ડ બનાવ્યો, જે પુરુષ ક્રિકેટમાં કોઈએ હાંસલ કર્યો નથી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાના સતત બેટથી ધમાલ મચાવી રહી છે. આ જ કારણ છે કે દરેક મેચમાં કોઈને કોઈ મોટો રેકોર્ડ બનતો અથવા તૂટતો જોવા મળે છે.આઇસીસી મહિલા ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ નેધરલેન્ડ્‌સ સામેની મેચમાં, મંધાનાએ એક એવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો જે પુરુષ કે મહિલા ક્રિકેટમાં કોઈ પણ બેટ્‌સમેન ક્યારેય હાંસલ કરી શક્યો નથી.

લીડ્‌સના હેડિંગ્લી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં, મંધાનાએ ૪૭ બોલમાં ૭૪ રનની શાનદાર ઇનિંગ રમી. તેની ઇનિંગમાં ૧૧ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થતો હતો. આ ટુર્નામેન્ટમાં તેની સતત બીજી અડધી સદી પણ હતી. તેની શાનદાર ઇનિંગને કારણે, ભારતે ૨૦ ઓવરમાં ૨૦૯ રનનો વિશાળ સ્કોર બનાવ્યો અને ત્યારબાદ ૯૫ રનથી મેચ જીતી લીધી. મંધાનાને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી. જોકે, ફક્ત તેની ઇનિંગ જ ચર્ચાનો વિષય ન હતી; તેની શાનદાર બેટિંગ દરમિયાન, મંધાનાએ ટી ૨૦ ક્રિકેટમાં ૬૦૦ થી વધુ બાઉન્ડ્રી ફટકારીને ઇતિહાસ રચ્યો. આ સાથે, તે પુરુષો અને મહિલા ટી ૨૦ ક્રિકેટમાં ૬૦૦ થી વધુ બાઉન્ડ્રી ફટકારનારી વિશ્વની પ્રથમ ક્રિકેટર બની.

સ્મૃતિ પાસે હવે ટી ૨૦ ક્રિકેટમાં કુલ ૬૦૪ બાઉન્ડ્રી છે. આ યાદીમાં ન્યુઝીલેન્ડની સુઝી બેટ્‌સ ૫૨૧ બાઉન્ડ્રી સાથે બીજા ક્રમે છે, જ્યારે શ્રીલંકાની ચમારી અથાપથુ ૪૯૩ બાઉન્ડ્રી સાથે ત્રીજા ક્રમે છે. પાકિસ્તાનનો બાબર આઝમ પુરુષોના ક્રિકેટમાં સૌથી વધુ બાઉન્ડ્રી મારનાર બેટ્‌સમેન છે, પરંતુ તે પણ મંધાનાથી પાછળ છે.

મંધાના માત્ર બાઉન્ડ્રી મારવામાં જ નહીં, પણ રન ફટકારવામાં પણ ટોચના બે ખેલાડીઓમાં સામેલ છે. મહિલા ટી૨૦ ક્રિકેટમાં તેના ૪૪૭૫ રન છે. ફક્ત ન્યુઝીલેન્ડની સુઝી બેટ્‌સ, જેમની પાસે ૪૭૨૦ રન છે, તે તેનાથી આગળ છે. જોકે બેટ્‌સ ચાલુ ટી૨૦ વર્લ્ડ કપ પછી નિવૃત્તિ લેવા જઈ રહી છે, મંધાના ટૂંક સમયમાં આ રેકોર્ડ પોતાના નામે કરી લેશે તેવી અપેક્ષા છે.