સમાજનું સારું ન કરે એને જન્મનો અધિકાર નહીં’,હીરા સોલંકીએ સમાજને કરી હાકલ

રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા સાવરકુંડલાના મેંકડા ગામે યોજાયેલા જાહેર કાર્યક્રમમાં સમાજને સંબોધિત કરતાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. તેમના ભાષણમાં સમાજપ્રત્યેની જવાબદારી, એકતા અને સેવા વિશે ગાઢ સંદેશ આપવામાં આવ્યો હતો. ખાસ કરીને તાજેતરમાં બગદાણા વિસ્તારના નેતા નવનીત બાલધિયા કોંગ્રેસમાં જોડાયા બાદ ઉભી થયેલી પરિસ્થિતિ વચ્ચે હીરા સોલંકીએ કોઈનું નામ લીધા વગર સમાજને સંદેશ આપ્યો હતો. તેમના નિવેદનોમાં સમાજના હિતને પ્રથમ સ્થાન આપવાનો ભાર સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.

હીરા સોલંકીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે જે વ્યક્તિ સમાજમાં જન્મે છે. તેની પ્રથમ ફરજ સમાજની સેવા કરવાની છે. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે જે સમાજનું સારું ન કરે તેને જન્મ લેવાનો પણ અધિકાર નથી. આ સાથે તેમણે પ્રાર્થના સ્વરૂપે કહ્યું કે “આ ભવ કોળીમાં આપ્યો છે તો આવતો ભવ પણ કોળીમાં આપજે, જેથી હું અધૂરા રહી ગયેલા કામો પૂર્ણ કરી શકું.” તેમના આ શબ્દોમાં સમાજપ્રેમ અને સેવાભાવની ઝાંખી સ્પષ્ટ રીતે જોવા મળી હતી. સોલંકીએ સમજાવ્યું કે વ્યક્તિએ પોતાના સ્વાર્થ કરતાં સમાજના હિતને પ્રાથમિકતા આપવી જોઈએ અને સામૂહિક પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ રહેવું જાઈએ.

હીરા સોલંકીએ સમાજમાં ફેલાતી નકારાત્મકતા પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે અમુક લોકો અન્ય લોકોને નીચા દેખાડવાનો પ્રયાસ કરે છે. જે ખૂબ મોટું પાપ છે. તેમના મતે જો કોઈ વ્યક્તિ સારા કામ કરે તો તેને રોકવાના બદલે બિરદાવવું જાઈએ. “તમે બીજું કશું ન કરો, પણ સારા કાર્યને પ્રોત્સાહન આપો,” એવો સંદેશ આપતાં તેમણે ઉમેર્યું કે એક વ્યક્તિનું સકારાત્મક કામ જોઈને બીજા લોકો પણ પ્રેરિત થઈ શકે છે. સોલંકીએ સ્પષ્ટ કર્યું કે કોઈના પગ ખેંચવા કરતાં તેની કામગીરીને સમર્થન આપવું જોઈએ, જેથી સમગ્ર સમાજ આગળ વધી શકે. તેમના આ નિવેદનોએ સમાજમાં એકતા અને સહકારના મહત્વને વધુ મજબૂત બનાવ્યો છે.