સાહેબ, મને જૂન મહિનાથી એપોઇન્ટમેન્ટ મળી નથી,ગડકરીએ કહ્યું, “દરવાજો હંમેશા ખુલ્લો છે

આજે લોક્સભામાં પ્રશ્ર્નકાળ દરમિયાન કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી વચ્ચે એક રસપ્રદ પ્રશ્ર્ન-જવાબ સત્ર યોજાયું. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ નીતિન ગડકરીને છેલ્લા કેટલાક મહિનાઓથી મુલાકાત માટે વારંવાર વિનંતીઓ વિશે યાદ અપાવ્યું, જેના જવાબમાં મંત્રીએ જવાબ આપ્યો કે તે ગમે ત્યારે તેમને મળી શકે છે, કારણ કે તેમનો દરવાજો હંમેશા ખુલ્લો છે.

કેરળના વાયનાડના લોક્સભા સાંસદ પ્રિયંકાએ ચંદીગઢ-શિમલા હાઇવે અંગે પૂરક પ્રશ્ર્ન પૂછતા ઉલ્લેખ કર્યો કે તે જૂનથી નીતિન ગડકરી સાથે મુલાકાત માટે સમય માંગી રહી હતી. પ્રિયંકાએ જવાબ આપ્યો, “સાહેબ, હું જૂનથી તમારી સાથે મુલાકાત માંગી રહી છું. કૃપા કરીને મને સમય આપો જેથી હું મારા મતવિસ્તારની ચર્ચા કરી શકું.” ગડકરી હસ્યા અને જવાબ આપ્યો, “પ્રશ્ર્નકાળ પછી આવો. ગમે ત્યારે આવો; મારો દરવાજો હંમેશા ખુલ્લો છે.” “એપોઇન્ટમેન્ટની કોઈ જરૂર નથી.” પ્રિયંકા ગાંધીએ હાથ જોડીને ગડકરીને શુભેચ્છા પાઠવી.

અગાઉ, ગડકરીએ કહ્યું હતું કે સરકારનું લક્ષ્ય દેશમાં હાઇવે બાંધકામની ગતિને દરરોજ ૬૦ કિલોમીટર સુધી વધારવાનું છે. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારના મુખ્ય ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ નવા પ્રોજેક્ટ શરૂ ન થવાને કારણે દેશમાં હાઇવે બાંધકામની ગતિ ધીમી પડી ગઈ છે. “અમારું લક્ષ્ય દેશમાં હાઇવે બાંધકામની ગતિને દરરોજ ૬૦ કિલોમીટર સુધી વધારવાનું છે.”

મંત્રીએ એમ પણ કહ્યું કે સરકાર આગામી આઠથી દસ વર્ષમાં ભારતના ઓટોમોબાઇલ ઉદ્યોગને વિશ્ર્વમાં ટોચ પર બનાવવાનું લક્ષ્ય રાખે છે. હાલમાં, યુએસ ઓટોમોબાઇલ ઉદ્યોગનું કદ ૭૮ લાખ કરોડ છે, ત્યારબાદ ચીન (૪૭ લાખ કરોડ) અને ભારત (૨૨ લાખ કરોડ) છે.