રાજકોટમાં  બે  પત્રકારોની કાળી કરતૂત,  હોસ્પિટલનું  બાંધાકામ  કરનાર પાસે ૩.૫૦ લાખની ખંડણી માંગી, ત્રણ ઝડપાયા

રાજકોટ શહેરમાં ‘પીળા પત્રકારિતા’ના નામે લોકો પાસેથી નાણાં પડાવતા અને બ્લેકમેલિંગ કરતા તત્વો વિરુદ્ધ શહેર પોલીસે લાલ આંખ કરી છે. પોલીસ કમિશનર અને એડિશનલ પોલીસ કમિશનરની સૂચના મુજબ, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે એક ખાસ ઝુંબેશ હાથ ધરી છે, જેમાં કહેવાતા પત્રકારો દ્વારા કરવામાં આવતી ખંડણીની વસૂલાતના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

તાજેતરની ઘટનાની વિગતો મુજબ, ફરિયાદી વિજયભાઈ પાડલિયા, જેઓ યુનિવર્સિટી રોડ પર હોસ્પિટલના બાંધકામ સાથે જોડાયેલા છે, તેમને અમિત ઠક્કર નામના શખ્સે નિશાન બનાવ્યા હતા. અમિત ઠક્કર, જે ‘ભારત હેડલાઇન’ નામનું અખબાર ચલાવે છે, તેમણે હોસ્પિટલના બાંધકામમાં ખામીઓ હોવાનું જણાવી વારંવાર નકારાત્મક સમાચાર છાપવાની ધમકી આપી હતી. આ સમાચાર ન છાપવા માટે તેમણે ફરિયાદી પાસેથી રૂપિયા ૩ લાખની ખંડણી માંગી હતી.

આ ગુનામાં માત્ર અમિત ઠક્કર જ નહીં, પરંતુ અન્ય બે શખ્સોની પણ સંડોવણી સામે આવી છે. ‘રાજકોટ લાઇવ ન્યૂઝ’ના ભાર્ગવ હરિશ્ચંદ્ર આચાર્યએ પણ રૂપિયા ૫૦,૦૦૦ની માંગણી કરી હતી. આ ઉપરાંત, યોગીરાજસિંહ વિજયસિંહ રાઠોડ, જેઓ માત્ર નાણાં ઉઘરાવવાનું કામ કરતો હતો, તેમની પણ પોલીસે ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે અમિત ઠક્કર અગાઉ પણ આવા અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ એક ડોક્ટરના વાંધાજનક વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરી નાણાં પડાવવાનો ગુનો પણ નોંધાયેલો છે.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મ્દ્ગજી (ભારતીય ન્યાય સંહિતા) ની કલમ ૩૦૮(૪), ૩૫૬ અને ૫૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, પોલીસ આ મામલે વધુ ગંભીર બની છે અને ‘પ્રેસ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા’ ને પત્ર લખીને આ અખબારોના રજિસ્ટ્રેશન અને લાયસન્સ સસ્પેન્ડ અથવા રદ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે.

શહેર પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, પત્રકારિતાની આડમાં ગુનાહિત પ્રવૃત્તિ કરતા કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. જો કોઈ પણ નાગરિકને આવા પત્રકારો હેરાન કરતા હોય તો નિઃસંકોચ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.