ભત્રીજા સાથે યુવતી જતી રહેતા ઉશ્કેરાયેલા લોકો દ્વારા છતના નળીયા તોડી ઘરવખરીનો સામાન વેરવિખેર કરી નાખ્યાનો આક્ષેપ.
દાહોદ જીલ્લાના ગોવિંદગુ લીમડી તાલુકાના કાળીગામ ગુર્જર ગામમાં પ્રેમ સંબંધની અદાવતમાં બંધ મકાનમાં ઘૂસી તોડફોડ કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આ મામલે વીરસીંગભાઈ રાયસીંગભાઈ અમલીયારે પોલીસ સમક્ષ લેખિત ફરિયાદ આપતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે.
ફરિયાદ મુજબ, વીરસીંગભાઈ તથા તેમના નાના ભાઈ ગોરસીંગભાઈ પરિવારના ગુજરાન માટે અમદાવાદ ખાતે મજૂરી કામે ગયા હતા, જ્યારે તેમના બાળકો ગામે ઘરે રહેતા હતા. દરમિયાન ૧૩ જૂનના રોજ સાંજના સમયે તેમના મોટાભાઈ ધીરાભાઈએ ફોન કરી જાણ કરી હતી કે ગોરસીંગભાઈનો પુત્ર શિવરાજ અને ગામની એક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હોવાના કારણે યુવતી શિવરાજ સાથે જતી રહી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, આ ઘટનાની અદાવત રાખીને યુવતીના પરિવારજનો અને અન્ય કેટલાક લોકો સાંજના આશરે ૬:૩૦ વાગ્યાના સમયે હાથમાં લાકડીઓ અને પથ્થરો લઈને તેમના બંધ મકાન પર ધસી આવ્યા હતા. આરોપીઓએ મકાનની છત પર ચડી નળીયા તોડી નાખ્યા હતા તેમજ ઘરમાં ઘૂસી રસોડા સહિત ઘરવખરીના સામાનમાં ભારે તોડફોડ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
અમદાવાદથી પરત ફર્યા બાદ વીરસીંગભાઈએ પોતાના મકાનની હાલત જોઈ તો છતના મોટાભાગના નળીયા તૂટેલા હતા અને ઘરની અંદરનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. ફરિયાદ અનુસાર તોડફોડની ઘટનામાં આશરે . ૫૦,૦૦૦ જેટલું નુકસાન થયું હોવાનું જણાવાયું છે.
ફરિયાદમાં માલભાઈ વાલસીંગભાઈ બિલવાળ, ત્વીકભાઈ માલભાઈ બિલવાળ, સુરેશભાઈ ખુમાનભાઈ બિલવાળ તથા પંકજભાઈ જેમાલભાઈ બિલવાળ સહિતના લોકોના નામ સાથે તોડફોડ અને નુકસાન પહોંચાડ્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
વીરસીંગભાઈએ પોતાના સબંધી સાથે પોલીસ મથકે પહોંચી સમગ્ર ઘટનાની કાયદેસરની તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે