પોતાના ઘરે કે અંગત જગ્યાએ નફાના હેતુ વગર પત્તા રમવા એ ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ હેઠળ ગુનો બનતો નથી

ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે ઘરની અંદર નફાના હેતુ વગર પૈસાથી પત્તા રમવા એ ગેમ્બલિંગ એક્ટ હેઠળ ગુનો બનતો નથી. વર્ષ ૨૦૨૧માં પોલીસે અમદાવાદના એક મકાનમાં રેડ પાડીને પત્તા રમતા કેટલાક લોકો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી એફઆઇઆર દાખલ કરી હતી. જોકે, આ કેસમાં અરજદારે હાઈકોર્ટના દ્વાર ખટખટાવીને રજૂઆત કરી હતી કે સંબંધિત મકાન કોઈ જુગારનો અડ્ડો નથી અને તેઓ કોઈ આર્થિક નફો મેળવવાના ઈરાદાથી રમી રહ્યા નહોતા. અરજદારની આ દલીલોને ગ્રાહ્ય રાખીને ગુજરાત હાઈકોર્ટે અમદાવાદના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી તે રદ કરવાનો હુકમ કર્યો છે.

વર્ષ ૨૦૨૧માં અમદાવાદના એક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે એક ખાનગી મકાન પર દરોડો પાડીને કેટલાક લોકોને પૈસાથી પત્તા રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે આ લોકો સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી સામે ભોગ બનનાર વ્યક્તિએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને ક્વોશિંગ પિટિશન દાખલ કરી હતી.

અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે જે મકાનમાં રમત રમાઈ રહી હતી તે કોઈ ‘જુગારનો અડ્ડો’ નહોતો. એક રમતમાં ભાગ રૂપે લોકો ભેગા થયા હતા, ત્યાં કોઈ ભાગ લેનારા લોકો કોઈ વ્યવસાયિક હેતુ કે નફો કમાવવાના આશયથી એકઠા થયા નહોતા. માત્ર મિત્રો કે પરિચિતો વચ્ચે રમાતી રમતને કાયદાકીય રીતે જુગારનો ગુનો ગણી શકાય નહીં.

આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કાયદાકીય જોગવાઈઓ અને રજૂ કરાયેલા તથ્યોને ધ્યાને લીધા હતા. હાઈકોર્ટે નોંધ્યું કે ગેમ્બલિંગ એક્ટ હેઠળ ગુનો બનવા માટે તે જગ્યા ‘જુગારનો અડ્ડો’ હોવી અથવા ત્યાંથી ચાર્જ કે નફો વસૂલવામાં આવતો હોવો જરૂરી છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરે નફા કે કમાણીના હેતુ વિના પોતાના મનોરંજન માટે પત્તા રમતી હોય, તો તેને જુગાર ધારા હેઠળ ગુનો માની શકાય નહીં. આ અવલોકન સાથે હાઈકોર્ટે અમદાવાદમાં નોંધાયેલી રદ કરવાનો હુકમ કર્યો હતો.