પંચમહાલ ખાણ ખનીજ વિભાગનો ઘોઘંબામાં સપાટો:બે દિવસમાં 5 ટ્રેક્ટર, 2 ટ્રક સાથે રૂ80 લાખનો મુદ્દામાલ જપ્ત

પંચમહાલ જીલ્લાના ખાણ ખનીજ વિભાગે ઘોઘંબા તાલુકામાં ગેરકાયદેસર ખનીજ વહન સામે સપાટો બોલાવ્યો છે. છેલ્લા બે દિવસમાં વિભાગની ટીમે પાંચ ટ્રેક્ટર અને બે ટ્રક સહિત કુલ સાત વાહનો જપ્ત કર્યા છે. આ કાર્યવાહીમાં રૂ80 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને સાત લોકોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ચોક્કસ બાતમીના આધારે, ખાણ ખનીજ વિભાગની ટીમે ઘોઘંબા તાલુકાના સીમલીયા ગામે પસાર થતી નદીના પટમાં દરોડો પાડ્યો હતો. અહીં ગેરકાયદેસર રીતે રેતી ઉલેચીને ભરી રહેલા ત્રણ પાવડાવાળા ટ્રેક્ટર, એક ટ્રોલીવાળું ટ્રેક્ટર અને અન્ય એક ટ્રેક્ટર મળી કુલ પાંચ ટ્રેક્ટરની અટકાયત કરવામાં આવી હતી. આ ટ્રેક્ટરોમાંથી રૂ30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

આ ઉપરાંત, ઘોઘંબા તાલુકાના ગોદલી ગામેથી બે ટ્રકમાં બિનઅધિકૃત રીતે રેતી અને બ્લેક ટ્રેપ ભરીને વહન કરવામાં આવી રહ્યાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગની ટીમે ગોદલી ગામ પાસેથી બે ટ્રકની અટકાયત કરી હતી. આ ટ્રકોમાંથી રૂ50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આમ, પંચમહાલ જીલ્લાના ખાણ ખનીજ વિભાગે ઘોઘંબા પંથકમાં ગેરકાયદેસર રેતી અને બ્લેક ટ્રેપનું વહન કરતા કુલ પાંચ ટ્રેક્ટર અને બે ટ્રક સાથે સાત ઈસમોની અટકાયત કરી છે. જપ્ત કરાયેલા કુલ રૂ80 લાખના મુદ્દામાલને ગોધરા કલેક્ટર કચેરી ખાતે સીઝ કરીને રાખવામાં આવ્યો છે.