પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકાના સાલિયા ગામે એક ખેડૂતની દસ્તાવેજથી ખરીદેલી જમીનનો કબજો ન સોંપી, તેને પચાવી પાડવાનો પ્રયાસ કરાયો છે. આ મામલે ખેડૂતને જાતિવાચક અપમાનિત શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ ગંભીર બનાવ અંગે મોરવા પોલીસ મથકે બે વ્યક્તિઓ સામે લેન્ડ ગ્રેબિંગ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરાના છાપટ ફળિયા, કાંકણપુર રોડ પર રહેતા વિનોદભાઈ વશરામભાઈ મકવાણાએ વર્ષ 2017માં મોરવા હડફના સાલિયા ગામે વિવિધ સર્વે નંબરની ખેતીલાયક જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. આ જમીન મહેસૂલી રેકર્ડમાં તેમના અને સાહેદ જાગીશાબેન પટેલના નામે નોંધાયેલી છે.
જોકે, સાલિયા ગામના રાજુભાઈ ભારતસિંહ પટેલ અને કનુભાઈ ભારતસિંહ પટેલે આ જમીન પર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો. જ્યારે પણ ફરિયાદી પોતાની માલિકીની જમીનમાં ખેતી કરવા જતા, ત્યારે આરોપીઓ તેમને અટકાવતા હતા. આરોપીઓએ ફરિયાદીને જાતિવાચક અપમાનિત શબ્દો કહી, “અહીંથી જતા રહો નહીંતર જાનથી મારી નાખીશું” તેવી ધમકીઓ પણ આપી હતી.
આ મામલે ફરિયાદીએ રજૂઆત કરતા પંચમહાલ જીલ્લા કલેક્ટર કચેરીની લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. કમિટીના હુકમ બાદ મોરવા પોલીસ મથકે બંને આરોપીઓ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-2020 (લેન્ડ ગ્રેબિંગ) તેમજ એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક (જઈ/જઝ સેલ) બી.બી. જાડેજા ચલાવી રહ્યા છે.