પંચમહાલ જીલ્લામાં રાજ્યવેરા નિરીક્ષક વર્ગ-3 પ્રિલિમિનરી કસોટીના આયોજન માટે સ્થાઈ સમિતિની બેઠક યોજાઈ

રાજ્યવેરા નિરીક્ષક, વર્ગ-3ની પ્રિલિમિનરી કસોટીના આયોજન માટે જીલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક કલેક્ટર કચેરીના વી.સી. હોલ ખાતે યોજાઈ હતી. ગુજરાત જાહેર સેવા આયોગ (ૠઙજઈ) દ્વારા આ કસોટી આગામી 04 જાન્યુઆરી 2026, રવિવારના રોજ રાજ્યના 25 જીલ્લાઓમાં યોજાશે, જેમાં પંચમહાલ જીલ્લાનો પણ સમાવેશ થાય છે.

પંચમહાલ જીલ્લામાં આ પરીક્ષા સવારે 11:00 થી 01:00 કલાક દરમિયાન યોજાશે. ગોધરા ખાતે કુલ 11 પેટા કેન્દ્રો પર 2536 ઉમેદવારો 106 બ્લોકમાં પરીક્ષા આપશે. મુખ્ય કેન્દ્રોમાં ધ ઇકબાલ યુનિયન હાઇસ્કૂલ, ટી.સી. સોની માધ્યમિક વિદ્યાલય, સેન્ટ આર્નોલ્ડ હાઇસ્કૂલ, નાલંદા સ્કૂલ, એમ એન્ડ એમ મહેતા હાઇસ્કૂલ, અનજ મહાજન સાર્વજનિક હાઈસ્કૂલ અને રોટરી ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે.

દિવ્યાંગ ઉમેદવારો માટે ’ધ ઇકબાલ યુનિયન હાઇસ્કૂલ (સેન્ટર અ)’ ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં કુલ 08 વર્ગખંડોમાં બેઠક વ્યવસ્થા અને 02 વર્ગખંડો લહિયા ધરાવતા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવ્યા છે. દિવ્યાંગ ઉમેદવારોની મદદ માટે 02 ’દિવ્યાંગ મિત્ર’ (1 સ્ત્રી અને 1 પુરૂષ) ની નિમણૂક કરાશે, અને ચાલવામાં અસમર્થ ઉમેદવારો માટે વ્હીલચેરની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.

પરીક્ષા સામગ્રીની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સ્ટ્રોંગરૂમની સુરક્ષા માટે ઙજઈં કક્ષાના અધિકારીના મોનિટરિંગ હેઠળ 3 શિફ્ટમાં ગાર્ડ તૈનાત રહેશે. પરીક્ષાના દિવસે સવારે 8:00 વાગ્યાથી અધિકૃત ઝોનલ અધિકારીઓ દ્વારા પોલીસ સુરક્ષા હેઠળ કેન્દ્રો પર પ્રશ્ર્નપત્રોનું વિતરણ કરવામાં આવશે. જીલ્લા પરીક્ષા સમિતિ દ્વારા પરીક્ષાને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ઉમેદવારોને નિર્ધારિત સમયે કેન્દ્ર પર ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે.