મોરવા(હ)તાલુકામાં હવે ફોરલેન માર્ગો નિર્માણ પામશે. સરકાર દ્વારા સંતરોડથી ડોળી સુધી 45થી 50 કિ.મી.લાંબા રૂ.900 કરોડના ખર્ચે ફોરલેન માર્ગો સરકાર દ્વારા આર એન્ડ બી વિભાગ દ્વારા બનાવાશે. ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર યોજના અંતર્ગત ફેઝ-1માં ફોરલેન માર્ગો બનાવવાની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.
મોરવા(હ)તાલુકામાં ફોરલેન માર્ગોની સુવિધા મળી રહે તે માટે મોરવા(હ)ના ધારાસભ્ય નીમીશાબેન સુથાર દ્વારા છેલ્લા કેટલાય સમયથી રજુઆત સરકારમાં કરાઈ હતી. જે બાદ રાજય સરકાર દ્વારા ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર યોજના અંતર્ગત ફેઝ-1માં મોરવા(હ)વિધાનસભા મત વિસ્તારમાં ફોરલેન માર્ગો બનાવા સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.કુલ રૂ.900 કરોડના ખર્ચે 45થી 50 કિ.મી.લંબાઈનો ફોરલેન માર્ગ સંતરોડ, મોરવા(હ), સંતરામપુર, ડોળી સુધી રાજય આર એન્ડ બી વિભાગ દ્વારા બનાવાશે.આ કામગીરીમાં જમીન સંપાદન, ફોરેસ્ટ ક્લિયરન્સ, યુટિલિટી શિફ્ટિંગ, ડી.પી.આર, હયાત રસ્તાઓનુ ચાર માર્ગીયકરણ, મજબુતી કરણ, મોટા પુલો, માઈનોર પુલો વગેરેની પણ કામગીરી કરાશે. આ મામલે મોરવા(હ)ધારાસભ્ય નીમીશાબેન સુથાર સાથે વાત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, સરકારમાં છેલ્લા કેટલાય સમયથી રજુઆત બાદ રાજય સરકાર દ્વારા ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર યોજના અંતર્ગત સંતરોડ, મોરવા(હ), સંતરામપુર ડોળી સુધીનો 45 થી 50 કિ.મી.નો ફોરલેન માર્ગોને સૈદ્ધાંતિક મંજુરી અપાઈ છે. જે બદલ તેમણે રાજય સરકારનો આભાર માન્યો હતો.