
મોરબીમાં સાયબર ફ્રોડ અને ઠગાઈનું એક એવું મોટું નેટવર્ક સક્રિય હતું, જેણે આખા દેશની પોલીસને દોડતી કરી દીધી હતી…મોરબીમાં રહેતા કેટલાક શખ્સોના બેન્ક એકાઉન્ટમાં દેશના જુદા-જુદા રાજ્યોમાંથી સાયબર ક્રાઈમની ૧.૩૪ કરોડથી વધુની રકમ જમા થઈ, જેને ગણતરીની મિનિટોમાં સગેવગે કરવામાં આવી…આ ડિજિટલ લૂંટનો મામલો જ્યારે સમન્વય અને એનસીસીઆરટી પોર્ટલ પર પહોંચ્યો, ત્યારે દેશભરમાં એક પછી એક ૪૧ જેટલી ફરિયાદો નોંધાઈ હતી…જેના આધારે મોરબી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે કુલ ૧૧ શખ્સો સામે ગુનો નોંધી મોટું ઓપરેશન શરૂ કર્યું.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મોરબીના ચેતન પલાણ, રાજુભાઈ જાષી અને ભરતભાઈ બારડ નામના મુખ્ય સૂત્રધારોએ પોતાના મળતિયાઓની મદદથી આખું નેટવર્ક ઊભું કર્યું હતું…અલગ-અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડ આચરીને મેળવેલા નાણાં કાયદાની નજરમાંથી બચાવવા માટે અન્ય લોકોને એજન્ટ બનાવવામાં આવ્યા હતા…આ એજન્ટોને માત્ર કમિશનની લાલચ આપીને તેમના બેન્ક એકાઉન્ટ મેળવી લેવાયા હતા…આ તમામ બેન્ક ખાતાઓમાં તારીખ ૧/૧/૨૦૨૩ થી ૨૭/૧૨/૨૦૨૫ દરમિયાન કુલ ૭ કરોડ ૨૬ લાખ ૨૦ હજાર ૨૬૬ રૂપિયાની શંકાસ્પદ લેવડ-દેવડ કરવામાં આવી! આ કાળી કમાણી યુપીઆઇ,આઇએમપીએસ અને આરટીજીએસ દ્વારા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી રોકડમાં વિડ્રો કરી લેવાતી હતી.
આ કરોડોના કૌભાંડનો ગુનો નોંધાયા બાદ સાયબર ક્રાઈમ એક્શન મોડમાં આવી…પોલીસે ઓપરેશન હાથ ધરીને સાયબર ફ્રોડના આ ગુનામાં સામેલ આરોપીની ધરપકડ કરી લીધી છે…હાલ પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવાની અને ફરાર અન્ય ૬ આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ ચાલુ છે…
પોલીસ હવે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ ૭.૨૬ કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા અને આગળ કોના-કોના ખાતામાં મોકલવામાં આવ્યા હતા.
અગાઉ પણ મોરબીમાં સાયબર ફ્રોડના અનેક ગુના નોંધાયા છે, જેમાં સામાન્ય રીતે માત્ર બેન્ક એકાઉન્ટ ધારકો જ પકડાય છે, જેઓ કમિશનની લાલચમાં હોવાથી આ આખી ઠગાઈના માસ્ટરપ્લાનથી અજાણ હોય છે…પરંતુ આ વખતે સવાલ એ છે કે, શું પોલીસ આ મોટા સાયબર નેટવર્કના અસલી કિંગપિન અને વાસ્તવિક મુખ્ય ભેજાબાજા સુધી પહોંચવામાં સફળ રહેશે? હાલ તો પોલીસે ૫ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલીને સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.