મોડી રાત્રે અમરેલી અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો

સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં ફરી એકવાર ભૂગર્ભીય હલચલ જાવા મળી છે. રવિવારે મોડી રાત્રે અમરેલી અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં થોડો ભયનો માહોલ જાવા મળ્યો હતો.

ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સીસ્મોલોજીકલ રિસર્ચ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ મોડી રાત્રે ૧૨:૪૯ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ૨.૯ની તીવ્રતા નોંધાઈ છે. અમરેલીથી અંદાજે ૪૪ કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં નોંધાયું છે. આ કંપન જમીનથી ૬.૬ કિમીની ઊંડાઈએ ઉદભવ્યું હતું.

મોડી રાત્રે જ્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા, ત્યારે અચાનક આવેલા આ કંપનને કારણે કેટલાક લોકો જાગી ગયા હતા. તીવ્રતા ઓછી હોવાને કારણે જાન-માલના નુકસાનના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ વારંવાર આવતા આંચકાઓને લીધે અમરેલી પંથકમાં ચર્ચા જાગી છે.