ગુજરાત રાજ્ય હંમેશા પોતાની સાંસ્કૃતિક વિરાસત અને ઉત્તમ જીવનશૈલી માટે જાણીતું રહ્યું છે. ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત જ્યારે આપણે સ્વાસ્થ્યની વાત કરીએ છીએ, ત્યારે ભોજનમાં ‘શું ખાવું’ તેની સાથે ‘ક્યારે ખાવું’ તે અત્યંત મહત્વનું છે. આપણા પૂર્વજોની સૂર્યાસ્ત પહેલાં અથવા વહેલા ભોજન લેવાની પરંપરા પાછળ ઊંડું વિજ્ઞાન છુપાયેલું છે.
આધુનિક તબીબી વિજ્ઞાન પણ હવે સ્વીકારે છે કે મોડી રાત્રે ભોજન લેવાથી પાચનતંત્ર પર વધારાનો બોજ પડે છે, જે લાંબે ગાળે મેદસ્વિતા, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા ગંભીર રોગોનું મૂળ બને છે. વહેલા ભોજન લેવાથી શરીરને ખોરાક પચાવવા માટે પૂરતો સમય મળે છે, જેનાથી રાત્રિ દરમિયાન શરીરના કોષોના સમારકામ (છયાફશશિક્ષલ)ની પ્રક્રિયા વેગવંતી બને છે.
વહેલા રાત્રિ ભોજનનો સૌથી મોટો ફાયદો એ છે કે તે શરીરના મેટાબોલિઝમ (ચયાપચય) ને સંતુલિત રાખે છે. જ્યારે આપણે સૂવાના ૩ થી ૪ કલાક પહેલા ભોજન લઈએ છીએ, ત્યારે લોહીમાં શર્કરાનું પ્રમાણ નિયંત્રિત રહે છે અને વધારાની કેલરી ચરબીના સ્વપમાં જમા થતી નથી.
ખાસ કરીને ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ના સંકલ્પને સિદ્ધ કરવા માટે નાગરિકોએ રાત્રિના ભોજનમાં હળવો આહાર અને વહેલા સમયનું પાલન કરવું અનિવાર્ય છે. આ નાનકડો ફેરફાર માત્ર વજન ઘટાડવામાં જ નહીં, પણ ઊંઘની ગુણવત્તા સુધારવામાં અને સવારે સ્ફૂર્તિલા અનુભવ કરવામાં પણ મદદપ થાય છે. ચાલો, આપણે સૌ સાથે મળીને ’વહેલું ભોજન, સ્વસ્થ જીવન’ના મંત્રને અપનાવીએ અને ગુજરાતને મેદસ્વિતા મુક્ત બનાવીએ.