મહિસાગરમાં નલ સે જલના 17 કોન્ટ્રાકટરો દ્વારા રૂ.3.51 કરોડ સરકારમાં જમાં કરાવ્યા

મહિસાગરમાં નલ સે જલ યોજનામાં આચરવામાં આવેલુ રૂ.123 કરોડનુ જંગી કોૈભાંડ રાજયભરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યુ હતુ. ચકચારી કોૈભાંડમાં સીઆઇડી ક્રાઈમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અને પાંચ કર્મચારી અને 10 કોન્ટ્રાકટરોને જેલ હવાલે કરાયા હતા. ત્યારે યોજનાના કોૈભાંડી 17 કોન્ટ્રાકટરોએ જેલવાસના ડરથી 3.51 કરોડ સરકારમાં જમાં કરાવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ સમાન નલ સે જલ યોજનામાં મહિસાગર જિલ્લાના 620 ગામોમાં પીવાનુ પાણી પહોંચાડવા માટેની આ યોજનામાં વાસ્મો અધિકારી, એજન્સીઓ અને પાણી સમિતિઓના એકબીજાના મેળાપીપણામાં સરકારી તિજોરીને રૂ.123 કરોડનો ચુનો ચોપડ્યો હતો. જિલ્લામાં આચરવામાં આવેલુ રૂ.123 કરોડનુ જંગી કોૈભાંડ રાજયભરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. આ મામલે વાસ્મોના વર્તમાન યુનિટ મેનેજર દ્વારા 12 કર્મચારીઓ સામે નામજોગ ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત કોૈભાંડની વ્યાપક તપાસમાં 111 એજન્સીઓ અને 41 પાણી સમિતિઓની ઉપરાંત સરપંચો અને તલાટીઓની ભુમિકા પણ શંકાસ્પદ જણાતા તેઓ તપાસના દાયરામાં છે. અને આ કોૈભાંડની તપાસ સીઆઈડી ક્રાઈમને સોં5તા દિવાળી બાદ સીઆઈડી ક્રાઈમે તપાસની ગતિ વધારતા અને ધરપકડનો દોૈર શરૂ કરતા અત્યાર સુધીમાં પાંચ કર્મચારી અને 10 કોન્ટ્રાકટરો જેલ હવાલે થયા છે. જેથી ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ધરપકડના ડરથી ફફડી ઉઠેલા 17 જેટલા કોન્ટ્રાકટરોએ સરકારમાં રૂ.3.51 કરોડ જેટલી રિકવરી જમાં કરાવી હોવાનુ સામે આવ્યુ છે. જે કોન્ટ્રાકટરોએ અન્ય જિલ્લાઓમાં પણ વાસ્મોની કરી છે. તેમના પાસેથી પણ વાસ્મો વડી કચેરી દ્વારા રિકવરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.