
મહિસાગર જિલ્લાના મલેકપુર ગામે જમીન હડપ કરવાની ઘટના સામે આવી છે. અહીં એક બહેને પોતાના મૃત્યુ પામેલા ભાઈને જીવિત દર્શાવી, ખોટા ફોટા, ખોટા ઓળખપત્રો અને નકલી દસ્તાવેજો તૈયાર કરીને ખેતી લાયક જમીનને બિનખેતી કરાવી બાદમાં વેચી મારી હોવાનો ગંભીર કૌભાંડ સામે આવ્યો છે. આ મામલે લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મલેકપુર ગામે કુલ ૧૮ જેટલા સંયુક્ત ખાતેદારોની ખેતી લાયક જમીન હતી. સંયુક્ત ખાતેદાર બહેન દ્વારા અન્ય ખાતેદારોની જાણ બહાર ગેરકાયદેસર પેંતરાઓ રચી જમીનને બિનખેતીનો હુકમ મેળવી અન્ય લોકોને વેચી દેવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં આરોપીએ પોતાના જ સગા સંબંધીઓ પૈકી ૨૦૧૯માં મૃત્યુ પામેલા ભાઈને ૨૦૨૨માં જીવિત બતાવી ખોટા સરકારી દસ્તાવેજો ઊભા કર્યા હોવાનો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે એક જ ઓળખકાર્ડ અલગ-અલગ નામે ઉપયોગમાં લેવાયું હતું. મરણ પામેલા ભાઈના નામે ફોટા ચોંટાડીને ખોટી સહીઓ કરાઈ હતી. એટલું જ નહીં, સગીર વયની બાળકીના ખોટા ફોટા લગાવી ખોટી સહીઓ કરી દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં કોની કોની મિલીભગત છે તે દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહી છે.
આ સમગ્ર બાબતની જાણ અન્ય સંયુક્ત ખાતેદારોને થતા તેમણે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. રજૂઆતના આધારે જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા હતા. તપાસ દરમિયાન ખોટા દસ્તાવેજો ઊભા કરી જમીન હડપ કરવાનો આખો કારસો બહાર આવતા સુશીલાબેન પટેલ સામે લુણાવાડા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.
હાલ પોલીસે આ જમીન કૌભાંડમાં ભૂમાફિયા, દસ્તાવેજ કરનાર અધિકારીઓ તેમજ વિવાદિત જમીન ખરીદનાર લોકોની સંડોવણી અંગે તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે કોના-કોના ઇસારે આ કારસ્તાન રચાયું અને કેટલાં લોકો સંડોવાયેલા છે તે આવનારા દિવસોમાં બહાર આવશે.