લાખો રૂપિયાના દારૂની હેરાફેરીમાં સ્થાનિક પોલીસ કર્મીની સંડોવણી, ત્રણ બુટલેગરો સાથે છેડા જોડાયા

ગાંધીના ગુજરાતમાં એક તરફ દારૂબંધીની વાત કરવામાં આવે છે, પરંતુ દિવસે ને દિવસે લાખો અને કરોડોની કિંમતનો દારૂનો જથ્થો ગાંધીના ગુજરાતમાંથી ઝડપાય છે. ત્યારે ગત ૪ ડિસેમ્બરના રોજ જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી માંગરોળ પોરબંદર હાઇવે પરથી દારૂનો જથ્થો એક ટ્રકમાં પસાર થઈ રહ્યો છે, જે માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે માંગરોળ-પોરબંદર હાઇવે પર યુપી-૪૨-ડીટી ૩૧૮૯ નંબરના ટ્રકની તપાસ કરતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડની કુલ ૫૫૪૪ બોટલ જેની કિ. રૂા.૪૮,૯૦,૦૦૦નો દારૂ અને વાહન મળી કુલ ૬૯ લાખનો મુદ્દા માલ જપ્ત કરાયો હતો. આ સમયે પોલીસે સ્થળ પરથી ઉત્તરપ્રદેશના ટ્રક ડ્રાઇવર અક્ઝલઅલી મંસુરીની ધરપકડ કરીને માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો અને જેની વધુ તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી જે તપાસમાં મોટો ધડાકો થયો છે.

ટ્રકમાં દારૂની હેરાફેરી કરનાર ટ્રક ડ્રાઇવરની ધરપકડ કર્યા બાદ તેની ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક કયા બુટલેગરો દ્વારા આ દારૂ મંગાવવામાં આવ્યો હતો તેની કડી પોલીસ શોધી રહી હતી. ડ્રાઇવરની પૂછપરછ તેમજ સર્વેલન્સ અને ટેકનીકલ સોર્સ ના આધારે ક્રાઈમ બ્રાન્ચ તપાસ શરૂ કરી હતી. જે તપાસમાં ગંભીર હકીક્ત ખુલી છે, તેણે સૌને ચોંકાવી દીધા છે. આ દારૂના રેકેટમાં એક સામાન્ય માણસ નહીં, પરંતુ જે પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ થયો હતો, તે જ માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના એક પોલીસ કોન્સ્ટેબલ અતુલ દયાતરની સંડોવણી સામે આવી છે.

પોલીસ કર્મી અતુલ દયાતરની બુટલેગરો સાથેની પાર્ટનરશીપ ખુલ્લી પડી છે.પોલીસ કર્મીનું તપાસમાં નામ ખુલતાની સાથે જ તેની સાથેના અન્ય ત્રણ બુટલેગરોની પણ સંડોવણી ખુલી હતી, ત્યારે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં માંગરોળ મરીન પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ અતુલ દાનાભાઈ દયાતર, અસલમ પટેલીયા, મિતુલ ડોલુભાઈ દયાતર અને દેવશી નથુ નંદાણીયાની ધરપકડ કરવામાં આવી છે.

આમ તો પોલીસ પોલીસનું રાખતી હોય છે, તેની બેદરકારી સાથી પોલીસની ટીમ છુપાવતી હોય છે તેવી અનેક વાતો સાંભળી છે પરંતુ અહીંયા તો કંઈક ઊંધું જ જોવા મળ્યું છે. કારણ કે જુનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ સ્પષ્ટ કહ્યું છે કે જો પોલીસ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરશે તો તેને ક્યારેય છોડાશે નહીં જેને લઈને ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ કૃણાલ પટેલ અને તેમની ટીમ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી.

પોલીસ કર્મીની સંડોવણી ખુલતા જ તેની સામે ગુનો દાખલ કરી આરોપી તરીકે અટકાયત કરવામાં આવી છે. ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ અન્ય પોલીસ કર્મચારીઓને ચેતી જવાની પણ સૂચના આપી છે જો કોઈ પણ પોલીસ કર્મચારીની ક્રિમિનલ કેસમાં બેદરકારી સામે આવી તો તેની સામે ફોજદારી અને ખાતાકીય પગલા લેવામાં આવશે તેવી ચેતવણી આપી હતી.

આમ જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચએ આ તમામ ચાર આરોપીઓની ધરપકડ કરીને સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે આરોપીઓના રિમાન્ડ મેળવ્યા છે, આ પ્રવૃતિમાં સંડોવાયેલા અન્ય કોઈ મોટા માથા હોય તો તેમને પણ ઝડપી પાડવા વધુ તપાસ શરૂ કરે છે. આ કાર્યવાહીથી પોલીસ વિભાગમાં સફાયાના સંકેતો મળી રહ્યા છે.