કલજીની સરસવાણી રોડ અકસ્માત કેસમાં ઝાલોદ પોલીસની ત્રણ દિવસીય સચોટ કાર્યવાહી

08 જાન્યુઆરીએ અકસ્માત, 09 જાન્યુઆરીએ ડમ્પર કબજે અને 10 જાન્યુઆરીએ ફરાર આરોપી ઝડપાયો.

ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણી રોડ પર તા. 08-01-2026 (ગુરૂવાર)ના રોજ ડમ્પર અને બાઈક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઈક સવારનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. બેફામ ગતિ અને બેદરકારીથી ડમ્પર ચલાવતા ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી અને ત્યારબાદ માનવતા નેવે મૂકી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

અકસ્માતની જાણ થતાં જ ઝાલોદ પોલીસે કેસની ગંભીરતા સમજી તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. તા. 09-01-2026ના રોજ પોલીસ દ્વારા અકસ્માતમાં સંડોવાયેલ ડમ્પર (નં.ૠઉં-36-ઝ-7088) શોધી કબજે લેવામાં આવ્યો હતો. સીસીટીવી ફૂટેજ, વાહનના પુરાવા અને બાતમીદારોના આધારે આરોપીની ઓળખ પક્કી કરવામાં આવી હતી.

પોલીસની સઘન તપાસ અને અવિરત મહેનતના પરિણામે અંતે તા. 10-01-2026ના રોજ અકસ્માત સર્જી નાસી ગયેલ આરોપી રાકેશભાઈ લક્ષ્મણભાઈ ગરાસિયા, રહે. લીમડીયા, તાલુકો : ફતેપુરાને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીની ધરપકડ થતાં જ પંથકમાં રાહતનો શ્ર્વાસ લેવાયો હતો.

આ સમગ્ર ત્રણ દિવસીય કાર્યવાહી ઝાલોદ પોલીસની ઝડપી કામગીરી, તકનીકી કુશળતા અને કાયદા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ બની છે. એક નિર્દોષના જીવ ગુમાવનાર અકસ્માતમાં આરોપીને કાયદાના સકંજામાં લઈ ન્યાય તરફ આગળ વધવું પોલીસની પ્રશંસનીય સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે.

ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે, તો બીજી તરફ ઝાલોદ પોલીસની કામગીરીએ જનવિશ્ર્વાસને વધુ મજબૂત બનાવ્યો છે. સાથે સાથે માર્ગ સુરક્ષા નિયમોના પાલન અંગે ફરી એકવાર ગંભીર સંદેશ પણ આપ્યો છે.