જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના મોટા કાજલીયાળા ગામમાં મોડી રાત્રે ચોંકાવનારી ખૂની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, એક યુવકે પોતાની સાથે રિસામણે બેઠેલી પત્નીના ઘરમાં ઘૂસીને છરીથી હુમલો કર્યો હતો. પત્નીને બચાવવા માટે વચ્ચે પડેલા સાસુ અને સસરા પર પણ તેણે નિર્દયતાથી છરીના ઘા ઝીંક્યા, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સમગ્ર ઘટનાને કારણે ગામમાં ભય અને ચકચારનો માહોલ સર્જાયો છે.
મળતી માહિતી અનુસાર, મોટા કાજલીયાળા ગામમાં પોતાના માતા-પિતાના ઘરે રહેતી ૨૭ વર્ષીય પરિણીતા જયશ્રી પરમારના લગ્ન નીતિન પરમાન નામના યુવક સાથે થયા હતા. નીતિનને દારૂ પીવાની લત હોવાને કારણે દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. આર્થિક સંકટ પણ તણાવનું એક મુખ્ય કારણ બનતું હતું, અને દારૂના નશામાં નીતિન પત્ની પર મારઝૂડ કરતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે.
મોટા કાજલીયાળા ગામમાં એક હ્રદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. જેમાં પતિના અત્યાચારથી કંટાળેલી જયશ્રી પર તેના પતિ નીતિન દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, જયશ્રી છેલ્લા ચાર મહિનાથી પોતાના પિયર રહેવા આવી હતી. ગત ૧૯ એપ્રિલની રાત્રે પરિવારજનો સાથે સૂઈ રહેલી જયશ્રીના ઘરમાં રાત્રે આશરે ૨ વાગ્યે નીતિન બારણું તોડી ઘૂસી આવ્યો હતો. અવાજ સાંભળીને જયશ્રી જાગી ગઈ હતી. ત્યારે તેણે નીતિનને હાથમાં છરી લઈને ઉભેલો જાયો. જયશ્રી કંઈ સમજે તે પહેલાં જ નીતિને “આજે તો તને પતાવી જ દેવી છે” કહીને તેના પર છરીથી આડેધડ હુમલો કર્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
દીકરીએ બુમાબુમ કરતા ઓસરીમાં સૂઈ રહેલ માતા-પિતા તરત જ દોડી આવ્યા હતા. જ્યાં તેમણે જમાઈની ચૂંગાલમાંથી દીકરીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ ઉશ્કેરાયેલા જમાઈ નિતિને સાસુ-સસરા પર પણ છરીથી હુમલો કર્યો હતો. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
વંથલી પોલીસે આરોપી નીતિન પરમાર વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરતા નિતિને જે દિવસે હુમલો કર્યો તે દિવસે બાળકોને લઈ જવાની જીદ કરી હતી. નશાની હાલતમાં આવેલા નીતિને જયશ્રીએ ઈનકાર કરતા ગુસ્સે આવી પોતાની પત્નીને મારપીટ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને નીતિનને કડક ચેતવણી આપતા તે ત્યાંથી શાંતિથી નીકળી ગયો હતો. જાકે, મોડી રાત્રે નીતિન ફરી છરી સાથે પરત ફર્યો અને હુમલો કર્યો હતો. હુમલા બાદ ભાગવાનો પ્રયાસ કરતી વખતે નીતિન પોતે પણ પગમાં ઇજાગ્રસ્ત થયો હતો. હાલ નીતિનને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.