
અમદાવાદ શહેરમાં લૂંટ અને છેતરપિંડીની બે અલગ ઘટનાઓ સામે આવી છે. પ્રથમ ઘટનામાં જમાલપુર બ્રિજ નીચે વહેલી સવારે છરી બતાવી સિંગતેલના ડબ્બાની લૂંટ કરવામાં આવી હતી. જ્યારે બીજી ઘટનામાં પ્લોટ આપવાના નામે એક વ્યક્તિ સાથે ૨.૯૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરાયાની ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, નારોલ વિસ્તારમાં રહેતા પ્રીતેશ રાણા અને તેમના ભાઈ ધ્રુવિલ ૨૯ જુલાઈના રોજ વહેલી સવારે બોલેરો પીકઅપ વાહનમાં કરિયાણાનો સામાન અને તેલના ડબ્બા ભરીને ચાંદખેડા તરફ જઈ રહ્યા હતા.
સવારે અંદાજે ૫ વાગ્યાના સમયે જમાલપુર બ્રિજ નીચે શાકભાજીની ગાડીઓના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.આ દરમિયાન બે અજાણ્યા શખ્સો પીકઅપ વાહનના પાછળના ભાગે ચડી ગયા હતા અને તેલના ડબ્બા ઉતારવાનો પ્રયાસ કર્યો હતો.પ્રીતેશભાઈ અને તેમના ભાઈએ શખ્સોને રોકવાનો પ્રયાસ કરતા એક આરોપીએ છરી બતાવીને ધમકી આપી હતી.ત્યારબાદ બંને શખ્સો ૧૫ લીટર ગુલાબ સિંગતેલના બે ડબ્બા લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.આ મામલે પ્રીતેશ રાણાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.