
જલાલપુર તાલુકા બાદ નવસારી ભાજપમાં ભડકો થઈ રહ્યો છે. નવસારી તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારોએ રાજીનામા ધર્યા છે. નવસારી તાલુકા ભાજપ પ્રમુખ રવિ સોની સહિત ૮ હોદ્દેદારોએ આજે પક્ષને રાજીનામું પકડાવ્યું છે. જલાલપોર અને જિલ્લા ભાજપ વચ્ચેની લડાઈમાં મુશ્કેલી થશે તેવી ચિંતા નવસારીના હોદ્દેદારોને સતાવી રહી છે. અત્યાર સુધીમાં નવસારી જિલ્લા ભાજપના અલગ અલગ ૪૬ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે. ત્યારે તેની સીધી અસર આગામી તાલુકા, જિલ્લા પંચાયત અને મહાનગર પાલિકાની ચૂંટણીમાં થવાની સંભાવના છે. નવસારી તાલુકા સંગઠનમાં રાજીનામા પડતા હવે ભાજપમાં આંતરિક જુથવાદ બહાર ડોકાઈ રહ્યો છે.
નવસારી તાલુકા ભાજપના રાજીનામાં આપનાર હોદ્દેદારોમાં રવિ સોની, પ્રમુખ,ચેતન પટેલ, ઉપપ્રમુખ કમલેશ દેસાઇ, મહામંત્રી ,રવિ વશી, સંગઠન મંત્રી ,પ્રણવ ઠાકોર, સંગઠન મંત્રી,અર્જુન હળપતિ, જી્ સેલ પ્રમુખ નવસારી તાલુકો ,ઈશ્વરભાઈ હળપતિ, ઉપપ્રમુખ એસટી સેલ ,નરેદ્ર ગણપત, ઠાકોર સહિત કુલ ૪૬ રાજીનામા પડ્યા છે
નવસારી જિલ્લા ભાજપના જલાલપોર તાલુકા મંડળમાં અન્યાય થવાની વાતે વિરોધનો વંટોળ તાલુકા પંચાયત પહોંચ્યો છે. હજી બે દિવસ પહેલા જલાલપોર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ સહિત ૬ સભ્યોએ પોતાના પદ પરથી સામૂહિક રાજીનામાં ધરી દેતા નવસારીમાંથી કુલ ૪૬ ભાજપી આગેવાનોના રાજીનામા પડ્યા છે. હજુ પણ જલાલપોરમાંથી વધુ રાજીનામા પડે તો નવાઈ નહીં.
નવસારી જિલ્લા ભાજપના નવા સંગઠનની રચના બાદ જલાલપોર તાલુકામાંથી શરૂ થયેલો રાજીનામાનો વંટોળ હવે જલાલપોર તાલુકા પંચાયતમાં પહોંચ્યો છે. બે દિવસ પહેલા જલાલપોર તાલુકા પંચાયતમાં કારોબારી અધ્યક્ષ હિરેન પટેલ સાથે માજી શાસક પક્ષના નેતા અને બોરસી બેઠકના સભ્ય નિલેશ પટેલ, ભીનાર બેઠકના સભ્ય ચેતના પટેલ, આેંજલ બેઠકના સભ્ય ક્રિષ્ના ટંડેલ, આટ બેઠકના સભ્ય પ્રકૃતિ પટેલ અને એરૂ બેઠકના સભ્ય ધર્મેશ પટેલે સામૂહિક રીતે જલાલપુર તાલુકા પંચાયત પ્રમુખના ટેબલ ઉપર જલાલપોર ભાજપને વર્ષોથી થતા અન્યાય થતા હોવાના વિરોધમાં રાજીનામા ધરી દીધા હતા. જલાલપોર તાલુકા ભાજપ સંગઠન થકી તેઓ તાલુકા પંચાયતમાં ચૂંટાયા હતા. હવે જ્યારે સમગ્ર સંગઠને પોતાના પદથી રાજીનામાં આપ્યા છે. ત્યારે એમણે પણ એમના સમર્થનમાં રાજીનામા આપ્યા હોવાની કેફિયત રજૂ કરી હતી.
આ વિશે જલાલપોર તાલુકા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ હિરેન પટેલે જણાવ્યું કે, નવસારી જિલ્લા ભાજપ સંગઠનમાં જલાલપોર તાલુકા મંડળના આગેવાનને મહામંત્રીનું પદ ન મળતા જલાલપોરના આગેવાનો તેમજ કાર્યકરોમાં નારાજગી પ્રવર્તિ હતી. જેમાં ગત દિવસોમાં જલાલપોર તાલુકા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો સહિત નવનિયુક્ત જિલ્લા ટીમના સભ્યોએ પણ પોતાના પદ પરથી રાજીનામાં ધરી દીધા હતા. જેમના સમર્થનમાં તેના બાદ જલાલપોર તાલુકા પંચાયતના છ સભ્યોએ રાજીનામાં મુકતા કુલ ૨૮ આગેવાનોએ પોતાના પદ પરથી રાજીનામાં આપ્યા છે. આજે બીજા રાજીનામા પડતા કુલ ૪૬ રાજીનામા પડ્યા છે. જોકે આ મુદ્દે જિલ્લા ભાજપ સંગઠન કે પ્રદેશ ભાજપમાંથી કોઈપણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. હજુ પણ જલાલપોર તાલુકામાંથી આગેવાનોના રાજીનામાં ભાજપ કાર્યાલય અને તાલુકા પંચાયતમાં પડે તેની સંભાવના જોવાઈ રહી છે.