હાલોલના ટાઢોડિયા ગામે શોર્ટ સર્કિટથી મકાનમાં આગની ઝપટમાં ત્રણ મકાન આવતાં ઘરવખરી અને રોકડ રકમ બળીને ખાખ

પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના ટાઢોડિયા ગામના નાયક ફળિયામાં શોર્ટ સર્કિટના કારણે એક મકાનમાં આગ લાગી હતી. આ આગે ઝડપથી વિકરાળ સ્વ‚પ ધારણ કરીને નજીકના અન્ય બે મકાનોને પણ પોતાની ઝપેટમાં લીધા હતા. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, નાયક ફળિયામાં રહેતા શીવાભાઈ નાનાભાઈ બારીઆ અને લક્ષ્મણભાઈ નાનાભાઈ બારીઆના મકાનોમાં આગ લાગી હતી. આ આગ એટલી ઝડપથી ફેલાઈ કે કુલ ત્રણ મકાનો તેની ઝપેટમાં આવી ગયા. આગને કારણે ઘરોમાં રાખેલો ઘરવખરીનો સામાન, કિંમતી ચીજવસ્તુઓ અને રોકડ રકમ બળીને ખાખ થઈ ગઈ હતી.

આ ઘટનાની જાણ તાત્કાલિક હાલોલ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શ‚ કર્યા હતા. કલાકોની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાથી ગ્રામજનોએ રાહત અનુભવી હતી. જોકે, આગના કારણે અસરગ્રસ્ત પરિવારોને ભારે આર્થિક નુકસાન થયું છે.