ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવા માટે પંચમહાલ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું

પંચમહાલ જીલ્લાના ટેટ પરીક્ષા પાસ ઉમેદવારો દ્વારા ગોધરા ખાતે કલેકટર, ડી.ઈ.ઓ. અને ડી.પી.ઈ.ઓ.ને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં 1400 જેટલી મંજૂર થયેલી વિદ્યાસહાયક(શિક્ષકો)ની ભરતી ઝડપથી શરૂ થાય તે માટે આવેદન આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સરકારના નાણાં વિભાગ દ્વારા એપ્રિલ-2025 મા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ખાલી પડેલી 1400 જેટલી જગ્યાઓ ભરવા માટે મંજૂરી આપેલ છે, છતાં પણ ભરતી બોર્ડ દ્વારા કંઈ પગલાં લેવામાં આવ્યા નથી. શિક્ષકો માટેની ગુજરાત રાજ્યની સામાન્ય ભરતી પૂર્ણ થયેલ છે, જ્યારે કચ્છની સ્પેશિયલ ભરતી પણ પૂર્ણ થવાના આરે છે. ત્યારે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓની ખાલી જગ્યાઓ પણ ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ઘણા લાંબા સમય બાદ ભરતી આવી હોવાથી મેરિટ ઊંચુ ગયેલ છે. એમાંય ખાસ કરીને ગણિત-વિજ્ઞાન વિષયનું મેરિટ કચ્છ ભરતીમા પણ 73.45 ની આસપાસ રહ્યું હોવાથી હજી ઘણા લાયક ઉમેદવારો નોકરીથી વંચિત રહેલ છે. ટેટ-2 પરીક્ષામાં 110 કરતાં વધારે ગુણ લાવનાર ઉમેદવારો પણ રહી ગયેલ છે, જ્યારે 100 ગુણ કરતાં ઓછા ગુણ લાવનાર ઉમેદવારો નિયુક્તિ પામેલ છે, તેથી ભરતી પ્રક્રિયા સામે મોટો પ્રશ્ર્નાર્થ ઊભો થયો છે. ઉચ્ચ મેરિટ ધરાવતા ઉમેદવારોને ન્યાય મળે અને અનુદાનિત શાળાઓ તથા આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ-મધ્યમ વર્ગીય બાળકોને વિષયવસ્તુ નિષ્ણાત શિક્ષકો મળે તે માટે વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી રહી છે.