
રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગોધરા નજીક મોટી કાર્યવાહી કરી છે. મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી SMCએ વિદેશી દારૂ ભરેલું એક કન્ટેનર ઝડપી પાડ્યું છે. આ દારૂની હેરાફેરી મેટ સ્ક્રેપના ખોટા GST બિલ બનાવીને તેની આડમાં કરવામાં આવી રહી હતી. SMCએ કન્ટેનર અને ટ્રક સહિત કુલ 89 લાખ 19 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર વોચ ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ કન્ટેનર નજરે પડતાં જ SMCની ટીમે ફિલ્મી ઢબે તેનો પીછો કરી તેને ઘેરી લીધું હતું. કન્ટેનરની તલાશી લેતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે બુટલેગરોએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે મેટ સ્ક્રેપના ખોટા GST બિલ બનાવ્યા હતા, પરંતુ તેની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સપ્લાય થઈ રહ્યો હતો.
આ ઓપરેશન દરમિયાન SMCની ટીમે કન્ટેનર ટ્રક, દારૂનો જથ્થો અને અન્ય સામગ્રી મળીને કુલ 89 લાખ 19 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે સ્થળ પરથી ઉત્તર પ્રદેશના બે આરોપીઓ, જાવેદ ઝાફરુદ્દીન સૈફી અને રિઝવાન મેવાતીની ધરપકડ કરી છે.
હાલ બી ડિવિઝન પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે દારૂનો આ મોટો જથ્થો વડોદરાની એક વ્યક્તિએ મંગાવ્યો હતો. આ ખુલાસા બાદ પોલીસે દારૂનો જથ્થો મંગાવનાર વડોદરાના મુખ્ય સૂત્રધાર સહિત અન્ય 6 આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.