
પંચમહાલ, ગુરુવાર ગોધરા તાલુકાના મોરડુંગરા ગામે ‘આત્મા પ્રોજેક્ટ’ દ્વારા એક વિશેષ કિસાનગોષ્ઠિનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આસપાસના વિસ્તારમાંથી અંદાજિત ૧૦૦થી વધુ ઉત્સાહી ખેડૂતોએ હાજર રહીને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંગેનું સચોટ અને વિસ્તૃત માર્ગદર્શન મેળવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેલા કૃષિ ક્ષેત્રના વિવિધ નિષ્ણાતો અને સરકારી અધિકારીશ્રીઓ દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો વિશે ખેડૂતોને ઊંડાણપૂર્વક સમજ પૂરી પાડવામાં આવી હતી. રાસાયણિક ખાતરો મુક્ત ખેતી કરી ઉત્પાદન ખર્ચ કેવી રીતે ઘટાડવો અને જમીનની ફળદ્રુપતા કેવી રીતે જાળવવી તે અંગે રસપ્રદ ચર્ચા કરવામાં આવી હતી.
ઉપસ્થિત તમામ મહાનુભાવોએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આર્થિક સમૃદ્ધિ તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના અંતે ખેડૂતોના કૃષિ વિષયક પ્રશ્નોના યોગ્ય જવાબો આપીને મૂંઝવણોનું નિવારણ કરવામાં આવ્યું હતું.
આ કિસાનગોષ્ઠિમાં કૃષિ, બાગાયત અને સંશોધન ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં નેચરલ ફોર્મિંગ એન્ડ સાયન્સ યુનિવર્સિટીના અધિકારી શ્રી ચેનાભાઈ પંચાલ,બાગાયત ખાતામાંથી બાગાયત અધિકારીશ્રી કલ્પેશભાઈ પટેલ,મકાઈ સંશોધન કેન્દ્ર (ગોધરા)ના નિવૃત વૈજ્ઞાનિક શ્રી કનુભાઈ પટેલ,આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ભાવિનભાઇ મેહતા,આત્મા પ્રોજેક્ટના એટીએમ (ATM) શ્રી અલ્પેશભાઈ રાઠોડ અને કલાવતીબેન બારીયા,ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડમાંથી ટીપીએમ (TPM) શ્રી હાર્દિકભાઈ વણકર,એગ્રી આસિસ્ટન્ટ શ્રી દેવેન્દ્રભાઈ પટેલ,સીઆરપી (CRP) શ્રી જયંતીલાલ પટેલ,કૃષિ સખી શ્રીમતી કોકિલાબેન પટેલીયા ઉપસ્થિત રહ્યાં હતાં.