ગોધરાના શહેરા ભાગોળ અંડરપાસની કામગીરી શરૂ થતાં સ્થાનિકોમાં આનંદ

ગોધરાના શહેરા ભાગોળ રેલવે અંડરપાસનું કામ ત્રણ વર્ષ બાદ ફરી શરૂ થયું છે. પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક ગોધરાના શહેરા ભાગોળ વિસ્તારમાં રેલવે ફાટક એલ.સી. 4 પાસે નિર્માણાધીન આ અંડરપાસની કામગીરી ફરી શરૂ થતાં સ્થાનિકોને રાહત મળી છે.

આ કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી ધીમી ગતિએ ચાલી રહી હતી અને વચ્ચે અટકી પડી હતી. જેના કારણે ગોધરા શહેર બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. અંડરપાસના ખાડામાં ગટરના ગંદા પાણી ભરાયા હતા, જે સ્થાનિકો માટે સમસ્યા બની હતી.

શહેરા ભાગોળ, સ્ટેશન રોડ અને ભુરાવાવ વિસ્તારના વેપારીઓના ધંધા-રોજગાર પર પણ તેની અસર પડી હતી. વિદ્યાર્થીઓને પણ લાંબો ફેરો ફરવો પડતો હતો. આ સમસ્યા અંગે સ્થાનિક અગ્રણીઓ અને નાગરિકો દ્વારા જીલ્લા કલેક્ટર અને સ્થાનિક ધારાસભ્યને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી.

આ રજૂઆતો બાદ તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. હાલમાં સ્થળ પર મશીનરી દ્વારા ભરાયેલી માટી હટાવીને બોક્સ ખુલ્લા કરવાની કામગીરી ચાલી રહી છે. જમણી બાજુના બાકી રહેલા બોક્સ બનાવવાનું કામ પણ ઝડપથી શરૂ કરવામાં આવ્યું છે.

આ પ્રોજેક્ટમાં ફરી ગતિ આવતા સ્થાનિક રહીશો, વેપારીઓ અને વાહનચાલકોમાં સંતોષ જોવા મળ્યો છે. આ કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.