
જુનાગઢના રાજુ સોલંકીના પુત્ર અને ગણેશ જાડેજાની વચ્ચે થયેલી મારામારીના કેસમાં ગણેશ જાડેજાને જેલમાં ધકેલાતા આ બંને પરિવારો વચ્ચે થયેલા મનદુ:ખે રાજકીય રંગ પકડયો હતો. આખરે આ વિવાદનો સુખદ અંત આવ્યો છે, ગોંડલ ખાતે જયરાજસિંહ અને રાજુ સોંલકી વચ્ચે સમાધાન થયું છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા પર દલિત સમાજના આગેવાનોની હાજરીમાં રાજુ સોલંકી અને જયરાજસિંહ વચ્ચે સુખદ સમાધાન થયું હતું.
વાયરલ થયેલા ઓડિયોમાં રાજુ સોલંકી અને દિનેશ પાતર નામની વ્યક્તિ વચ્ચે વાતચીત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ ઓડિયો ક્લિપમાં રાજુ સોલંકી સમાધાન કેન્સલ કરવા માટે ૧૦ કરોડ રૂપિયાની માંગ કરી હતી. ઓડિયોમાં રાજુ સોલંકી દિનેશ પાતરને કહે છે કે, “૧૦ કરોડ આપો તો સમાધાન કેન્સલ થઈ જશે.”
આ ઓડિયોમાં રાજુ સોલંકી વધુમાં કહે છે કે “અનુબાપુને કહો રૂપિયા આપે એટલે સમાધાન કેન્સલ,” જે વાતને કારણે ફરી એક વાર આ ચર્ચાએ જોર પકડ્યપં છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ જયરાજસિંહ, રાજુ સોલંકી અને ગણેશ જાડેજા વચ્ચે સમાધાન થયું હતું, પરંતુ સમાધાન બાદ તરત જ આ ઓડિયો વાયરલ થતાં સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે. ઓડિયો વાયરલ થતાં રાજુ સોલંકી ફરી વિવાદમાં સપડાયા છે. આ મામલે હજુ સુધી રાજુ સોલંકી કે જયરાજસિંહ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. જો કે, વાયરલ ઓડિયોની સત્યતા અંગે તપાસ થાય તેવી માગ ઉઠી રહી છે.