ગીતા મહોત્સવ 2025 મહીસાગર જીલ્લામાં વિકાસ ભી વિરાસત ભી ના ધ્યેય સાથે ગીતા મહોત્સવની ઉજવણી

મહીસાગર જીલ્લામાં જીલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ગીતા મહોત્સવની ઉજવણી કાર્યક્રમ યોજાયો.

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત ભાષા, ભારતીય જ્ઞાન-પરંપરા અને ખાસ કરીને શ્રીમદ્ ભગવદ્ ગીતાના સંવર્ધન માટે વિવિધ યોજનાઓનું સંચાલન કરવામાં આવે છે. આ જ પ્રયાસોના ભાગ રૂપે, ગીતા જયંતિના પાવન અવસર પર રાજ્યના તમામ જીલ્લાઓમાં “જીલ્લા સ્તરીય ગીતા મહોત્સવ”ના આયોજનનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ સંકલ્પને સાકાર કરતાં, મહીસાગર જીલ્લામાં પણ ગીતા મહોત્સવની વિશેષ ઉજવણી લુણાવાડાની કિશાન માધ્યમિક વિદ્યાલય ખાતે કરવામાં આવી હતી. આ ભવ્ય કાર્યક્રમનું આયોજન મહીસાગર જીલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું અને જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલના ગરિમામય અધ્યક્ષ સ્થાને સંપન્ન થયો હતો.

કાર્યક્રમના અધ્યક્ષ બાબુભાઇ પટેલે તેમના પ્રેરક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, આ મહોત્સવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ધ્યેય વિકાસ ભી વિરાસત ભી ને ખરા અર્થમાં આત્મસાત્ કરે છે. આ ઉત્સવ ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા, શાશ્ર્વત જ્ઞાન અને લોક-સહભાગિતાનો એક અદ્ભુત સમન્વિત ઉત્સવ છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, શ્રીમદ્ ભગવદ્ ગીતા માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ સમસ્ત માનવજાતના કલ્યાણ માટેનો એક વૈશ્ર્વિક જ્ઞાન-ગ્રંથ છે. તેના આ સાર્વજાગતિક મહત્ત્વને કારણે, એપ્રિલ 2025માં શ્રીમદ્ ભગવદ્ ગીતાને યુનેસ્કો (UNESCO)“u Memory of the World Register (વિશ્ર્વ-સ્મૃતિ નોંધણી-યાદી)માં સ્થાન મળ્યું છે, જે ભારતની જ્ઞાન-વારસાની વૈશ્ર્વિક પ્રતિષ્ઠાને વધુ તેજસ્વી અને ગૌરવશાળી બનાવે છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતાના સનાતન મહત્વને જન-જન સુધી પહોંચાડવાનો મુખ્ય ઉદ્દેશ આ કાર્યક્રમનો હતો. આ ઉદ્દેશ અંતર્ગત, ગીતાના બારમા અધ્યાયનું ભાવપૂર્ણ સમૂહ પઠન કરવામાં આવ્યું હતું. તથા મહીસાગર જીલ્લાના ‘ગીતાંશ કંઠ પાઠ યોજના’ માં પસંદ કરાયેલા ત્રણ તેજસ્વી વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓ કે જેમને ગીતાના નિર્ધારિત અધ્યાયો સંપૂર્ણપણે કંઠસ્થ છે, તેમને સન્માન પત્ર આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને અંતે ગીતા મહોત્સવ માટે ખાસ તૈયાર કરવામાં આવેલી પ્રદર્શની અને સંસ્કૃત આયામ સૌ મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

આ પ્રેરક કાર્યક્રમમાં કાર્યક્રમના નોડલ અધિકારીઓ, જીલ્લાના વિવિધ અધિકારીઓ, સમર્પિત સંસ્કૃત શિક્ષકઓ તથા શાળાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ/વિદ્યાર્થિનીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.