ફરી લથડી સોનિયા ગાંધીની તબિયત, હોસ્પિટલમાં દાખલ કરવામાં આલ્યા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં સોનિયા ગાંધી તબિયત ફરી એકવાર બગડતાં તેમને ગુડગાંવની મેદાંતા હોસ્પિટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ તેમને પેટ સંબંધિત તકલીફ થઈ હતી, જેના કારણે ડોક્ટરોએ તાત્કાલિક ચેકઅપ અને જરૂરી સારવાર કરવાનો નિર્ણય લીધો હતો.

પ્રાથમિક વિગતો મુજબ આજે એટલે કે બુધવારે સવારે લગભગ ૭ વાગ્યે સોનિયા ગાંધીને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ સમયે તેમની સાથે તેમના પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી પણ હાજર હતા. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની સ્થિતિ ગંભીર નહોતી પરંતુ પેટની સમસ્યાને કારણે સાવચેતીરૂપે તબીબી તપાસ જરૂરી હતી.

હોસ્પિટલમાં લગભગ ચાર કલાક સુધી તેમની તપાસ અને નાની સર્જરી જેવી પ્રક્રિયા કરવામાં આવી હતી. ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર પૂર્ણ થયા બાદ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ તેઓ હોસ્પિટલમાંથી રજા મેળવીને દિલ્હી પરત ફર્યા હતા.