ઘોઘંબા તાલુકાના નવાનગરમાં સ્વચ્છ ભારત મિશનના કચરા સંગ્રહ શેડની દયનીય હાલત

પતરા ગાયબ, ઇમારત જર્જરિત; ગ્રાન્ટના ઉપયોગની તપાસની ગ્રામજનોની માંગ.

પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના નવાનગર ગામે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત બનાવવામાં આવેલ કચરા સંગ્રહ અને વર્ગીકરણ શેડની હાલત સામે ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગ્રામ પંચાયતની બાજુમાં બનાવવામાં આવેલ આ શેડ અંદાજે એકથી બે વર્ષ અગાઉ બનાવાયો હોવાનું જણાવાય છે, પરંતુ હાલ તેની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે.

સ્થળ પર કચરો એકત્ર કરી તેનું વર્ગીકરણ અને નિકાલ કરવાની સુવિધા ઊભી કરવાના હેતુથી બનાવાયેલ શેડના પતરા ગાયબ જોવા મળી રહ્યા હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. ઇમારત પણ જર્જરિત હાલતમાં હોવાથી શેડનો કોઈ અસરકારક ઉપયોગ થઈ રહ્યો નથી. ગ્રામજનોના જણાવ્યા મુજબ, શેડની હાલત જોઈ એવું લાગે છે કે તેનું નિર્માણ વર્ષો જૂની ઇમારત હોય તેમ થઈ ગયું છે.

ગ્રામજનોનો આક્ષેપ છે કે, સ્વચ્છ ભારત મિશન હેઠળ ઘન કચરા વ્યવસ્થાપન માટે ગામની વસ્તી પ્રમાણે નાણાંની જોગવાઈ કરવામાં આવે છે. જેમાં ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરવો, કચરા સંગ્રહ શેડ, કચરાનું વર્ગીકરણ તથા કમ્પોસ્ટ પિટ જેવી કામગીરીનો સમાવેશ થાય છે. છતાં નવાનગરમાં કચરા વ્યવસ્થાપનની કામગીરી અસરકારક રીતે થતી ન હોવાનો સવાલ ઉઠી રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ ઘન કચરા વ્યવસ્થાપન માટે પ્રતિ વ્યક્તિ આશરે રૂ.૬૦ જેટલી રકમ આવતી હોવાનું જાણવા મળે છે, પરંતુ આ રકમનો ઉપયોગ સફાઈ અને કચરાના યોગ્ય નિકાલ માટે થાય છે કે કેમ તે અંગે સ્પષ્ટતા જરૂ રી છે.

ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે, નવાનગર ગ્રામ પંચાયતના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મંજૂર થયેલ ગ્રાન્ટ, એક્શન પ્લાન, ઠરાવ, અંદાજ, વર્ક ઓર્ડર, કામની માપપોથી, બિલ-વાઉચર તથા થયેલા ખર્ચની સંપૂર્ણ તપાસ કરવામાં આવે. તેમજ ૧૫મા નાણાપંચની ગ્રાન્ટ, મનરેગા અથવા અન્ય યોજનાઓ સાથે ક્ધવર્જન્સ કરીને થયેલી કામગીરીની પણ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

સ્વચ્છ ભારતના હેતુથી બનાવાયેલ શેડ જ જો ઉપયોગવિહોણો અને જર્જરિત બની જાય તો ગામમાં સ્વચ્છતા અભિયાનની અસરકારકતા સામે સવાલો ઊભા થાય છે. હવે તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી શેડની હાલત અને તેની પાછળ થયેલા ખર્ચ અંગે પારદર્શક માહિતી જાહેર કરવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી રહી છે.